માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગનને ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને આખરી વન-ડેમાં બેટીંગ દરમિયાન માથામાં બોલ વાગતાં મેદાન છોડવું પડયું હતુ. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્ટાર્કનો બાઉન્સર જોરથી મોર્ગનની હેલ્મેટની સાથે ટકરાયો હતો. આ પછી તરત જ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મોર્ગન પાસે દોડી ગયા હતા. બાદમાં ડોક્ટર દ્વારા મોર્ગનને મેદાન પર પ્રાથમિક સારવાર અપાઇ હતી, પણ પછી તેણે પેવેલિયનમાં પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
ડાબોડી બેટ્સમેન મોર્ગનની હેલ્મેટ સાથે મેચની સાતમી ઓવરમાં સ્ટાર્કનો બોલ એટલા જોરથી ટકરાયો હતો કે તેને પોતાની જાતને સંભાળવા માટે બેઇલીની મદદ લેવી પડી હતી. મોર્ગન ત્યાર બાદ મેદાન પર જ ફસડાઇ પડયો હતો. જોકે તે ભાનમાં હતો. મેડિકલ ટીમ મેદાન પર દોડી ગઇ હતી અને તેમણે મોર્ગનને સારવાર આપી હતી. જોકે ત્યાર બાદ મોર્ગન મેદાન પર બેટીંગ કરવા રોકાયો નહોતો અને તેણે મેદાન છોડયું હતું.આ પછી ઈંગ્લેન્ડના મેનેજમેન્ટે એવી જાહેરાત કરી હતી કે મોર્ગન ચાલુ મેચમાં રમશે નહીં.