કોચી: ક્રિકેટ મેચમાં એક ઈનિંગમાં બોલર દ્વારા ૧૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ જવલ્લે જ નોંધાતી હોય છે. જુનિયર ક્રિકેટમાં તો આ સિદ્ધિ મેળવવાની લગભગ દુર્લભ હોય છે. જોકે કેરળમાં જુનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટમાં કન્નૂરના નાઝિલ નામના ક્રિકેટરે એક જ ઈનિંગમાં ૧૦ વિકેટ ઝડપીને આ સિદ્ધિ મેળવનાર કેરળનો પ્રથમ બોલર બન્યો છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ રેકોર્ડ વિશ્વમાં માત્ર બે જ બોલર મેળવી શક્યા છે, જેમાંથી એક ભારતનો અનિલ કુંબલે છે.
પેરિન્થાલમન્નાના કેસીએ સ્ટેડિયમમાં બે દિવસીય અંડર-૧૯ મેચના પ્રથમ દિવસે નાઝિલે ઘાતક બોલિંગ નાખતાં કન્નૂરે વિરોધી ટીમ માલાપુરમને પ્રથમ ઈનિંગમાં માત્ર ૨૬ રનમાં ઓલઆઉટ કરી નાખી હતી. નાઝિલે આ ઈનિંગમાં ૯.૪ ઓવરમાં બે ઓવર મેઇડન નાંખીને ૧૨ રન આપી તમામ ૧૦ વિકેટ ઝડપી લીધી હતી. મીડિયમ પેસ નાઝિલે ૧૦ વિકેટમાંથી ચાર ખેલાડીને બોલ્ડ અને ત્રણને એલબીડબલ્યુ આઉટ કર્યા હતા.