નવી દિલ્હીઃ ભારતીય ટીમના કોચ તરીકે વરાયેલા રવિ શાસ્ત્રીની સેલરી અંગેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી. જોકે તેને સાતથી સાડ સાત કરોડ રૂપિયા વાર્ષિક પગારની ઓફર કરાય તેવી શક્યતા છે. ભારતીય ટીમના પૂર્વ કોચ અનિલ કુંબલેની વાર્ષિક પગાર નવ કરોડ રૂપિયા હતો, જે કોઈ પણ કોચને ચૂકવવામાં આવેલી સૌથી મોટી રકમ હતી.
રવિ શાસ્ત્રીની સેલરી અંગેનો નિર્ણય બીસીસીઆઈ દ્વારા રચવામાં આવેલી ચાર સભ્યોની સમિતિ કરશે. આ સમિતિમાં બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સી. કે. ખન્ના, સીઈઓ રાહુલ જોહરી અને સંચાલક સમિતિના સભ્ય ડાયના એડલજીનો સમાવેશ થાય છે.
અરુણ બોલિંગ કોચ બનશે
એક રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ અને સંચાલકોની સમિતિએ ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે ભારત અરુણની નિયુક્તિને ગ્રીન સિગ્નલ આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ રવિ શાસ્ત્રીની ભલામણ બાદ ભારત અરુણને આ જવાબદારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રવિ શાસ્ત્રી પહેલેથી ભારત અરુણ ટીમ સાથે જોડાય તેમ ઇચ્છતા હતા. બીજી તરફ સીઓએના અધ્યક્ષ એમ પણ જણાવ્યું હતું કે રાહુલ દ્રવિડ અને ઝહીર ખાનની સેવાઓ જ જરૂરિયાત મુજબ અને ખાસ કરીને વિદેશ પ્રવાસ દરમિયાન લેવાશે.