લંડનઃ બર્મિંગહામ ખાતે આયોજિત કોમનવેલ્થ ગેઈમ્સ 2022માં ભાગ લેનારા કુલ 17 એથ્લીટ્સ અને ડેલિગેટ્સ લાપતા થયા હોવાનું પોલીસે જણાવ્યું છે. પાકિસ્તાન, શ્રી લંકા, કેમરુન, ઘાના અને બોટ્સ્વાનાના 13 સ્પર્ધકો અને 4 અધિકારીઓની ભાળ મળતી ન હતી. જોકે, તાજા અહેવાલ મુજબ 17 લાપતા લોકોમાંથી 9ને શોધી કઢાયા હતા પરંતુ, હજુ 8 લોકોની ભાળ મળતી નથી.
કોમનવેલ્થ ગેઈમ્સ સમાપ્ત થઈ છે ત્યારે બે પાકિસ્તાની બોક્સર્સ – લાઈટ વેલ્ટરવેઈટ સુલેમાન બલોચ અને હેવીવેઈટ બોક્સર નઝીર ઉલ્લાહ ખાન બર્મિંગહામ એરપોર્ટ પરથી લાપતા હોવાનું જણાવાયું છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે ત્યારે પાકિસ્તાનની ટીમ આ લોકો વિના જ સ્વદેશ પરત ફરી છે. ગુમ થયેલા બોક્સર્સના પાસપોર્ટ સહિતના દસ્તાવેજો સત્તાવાળા પાીસે જ રહ્યા હતા. પાકિસ્તાન ઓલિમ્પિક એસોસિયેશને આ મુદ્દે તપાસ કરવા સમિતિની રચના કરી છે. પાકિસ્તાન બોક્સિંગ સ્પર્ધામાં કોઈ મેડલ મેળવી શક્યું નથી. ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ, હંગેરીમાં FINA વર્લ્ડ ચેમ્પિયનશિપ્સના પાકિસ્તાની સ્પર્ધક સ્વીમર ફૈઝાન અખ્તર પણ લાપતા થયા છે.
શ્રી લંકાના કાફલામાંથી પાંચ અને ઘાનાના એક ડેલિગેટ ગુમ છે. પોલીસે જણાવ્યું હતું કે શ્રી લંકન કાફલામાંથી એક ડઝન સભ્યો લાપતા થયા હતા પરંતુ, તેમાંથી સાત વ્યક્તિની ભાળ મેળવી લેવાઈ છે. બોટ્સ્વાનાના એક સ્પર્ધક અને ઘાનાના એક ડેલિગેટ પણ અદૃશ્ય થઈ ગયા હતા જેમની ભાળ મળી હતી.