લંડનઃ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કિંગ ચાર્લ્સની ઉપસ્થિતિમાં કોમનવેલ્થ ડેની ઉજવણી કરાઇ હતી. દર વર્ષે માર્ચ મહિનાના બીજા સોમવારે યોજાતી કોમનવેલ્થ ડેની આ પરંપરાગત ઉજવણીમાં વિશ્વના 56 દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઇપ બેન્ડ દ્વારા બેટન રિલેના લોન્ચિંગને સૂરીલું ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
આ જ દિવસે, બકિંગહામ પેલેસમાં કોમનવેલ્થ ગેમ્સ 2026નો કિંગ ચાર્લ્સની હાજરીમાં પ્રારંભ થયો હતો. તેમાં પણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઇપ બેન્ડ દ્વારા સંગીતની સૂરાવલી વહાવી હતી. આ પ્રસંગે, કિંગ ચાર્લ્સે કોમનવેલ્થ ગેમ્સ 2026ના શુભારંભ રૂપે કાષ્ઠ બેટનની અંદર મૂકવા માટે શાંતિ સંદેશ લખીને મૂક્યો હતો, અને તે બેટન સર ક્રિસ હોપને સુપરત કરી હતી. હવે તે બેટન તમામ કોમનવેલ્થના દેશોમાં યાત્રા કરશે. આ પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે સ્કોટિશ તેમજ ભારતીય ધૂનને રેલાવી હતી.
આ પ્રસંગે મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, બકિંગહામ પેલેસમાં મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઇપ બેન્ડનું અસાધારણ પ્રદર્શન કોમનવેલ્થ ડે સર્વિસ અને કોમનવેલ્થ ગેમ્સની ભવ્યતાને રેખાંકિત કરે છે, જે સંસ્કૃતિઓને જોડવામાં સંગીતની ભૂમિકાનું મહત્ત્વ દર્શાવે છે.
55 વર્ષની સૂરિલી સફર
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્ય ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ 1970માં આ વિશ્વપ્રસિદ્ધ બેન્ડની સ્થાપના કરી હતી, જેને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે દેશવિદેશમાં લોકપ્રિય બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર-કિંગ્સબરી વિશ્વનું પ્રથમ ઈકો-ફ્રેન્ડલી હિન્દુ મંદિર તરીકે આગવી નામના ધરાવે છે. શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ પણ આ જ મંદિરની પહેલ છે.