લંડનઃ બર્મિંગહામ ખાતે આયોજિત 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા આવેલા શ્રી લંકન કાફલામાંથી 10 રમતવીર લાપતા થયા છે. બ્રિટનમાં રહી જવાની યોજનાના ભાગરૂપે એક અધિકારી સહિતના ખેલાડી લાપતા થધયા હોવાનું મનાય છે. જોકે, ત્રણ ખેલાડી મળી આવ્યા હતા પરંતુ, તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી.
સત્તાવાળાઓનું માનવું છે કે શ્રી લંકામાં હાલત અત્યંત ખરાબ છે ત્યારે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા આવેલા ખેલાડીઓમાંથી એક અધિકારી સહિતના 10 સભ્યો બર્મિંગહામમાં રહસ્યમય રીતે ગુમ થયેલા જણાયા હતા. ગત સપ્તાહે પોતાની રમતો પૂર્ણ થયા પછી 9 એથ્લીટ્સ અને એક મેનેજર લાપતા જણાયા હતા. આના પરિણામે, કોમનવેલ્થ ગેમ્સ ખાતેના શ્રી લંકાના અધિકારીઓએ જાણ કરતા બ્રિટિશ પોલીસ હરકતમાં આવી હતી. ગત ગુરુવારે જૂડો ટીમના બે સભ્યો અને એક કુશ્તીબાજ કોઈને જણાવ્યા વિના જ ગેમ્સ વિલેજમાંથી અદૃશ્ય થયા હતા. આ પછી, અન્ય 7 એથ્લીટ્સ પણ અદૃશ્ય થયા હતા. શ્રી લંકાના અધિકારીઓના જણાવ્યા મુજબ આ ખેલાડીઓ સંભવતઃ કોઈ નોકરી મેળવવા માટે યુકેમાં રહી જવા માગતા હોય તેવી શંકા છે.
બ્રિટિશ પોલીસે અગાઉ જતા રહેલા ૩ ખેલાડીને શોધી કાઢ્યા હતા. જોકે, તેમણે કાયદાનો કોઈ ભંગ કર્યો ન હતો અને તેમની પાસે 6 મહિનાના માન્ય વિઝા હોવાથી કોઈ પગલાં લેવાયા ન હતા. શ્રી લંકાના 160 એથ્લીટ્સ અને અધિકારીઓ કોમનવેલ્થ ગેમ્સમાં આવ્યા હતા અને તેમના પાસપોર્ટ મેનેજમેન્ટ પાસે રાખી લેવાયા હતા. જોકે, મેનેજમેન્ટે પાછળથી એથ્લીટ્સને તેમના પાસપોર્ટ્સ પરત કરી દીધા હતા. 10માંથી પાંચ ખેલાડી તો શ્રી લંકાના લશ્કરી દળોમાં ફરજ બજાવે છે.