બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સનું સોમવારે સમાપન થયું તે સાથે જ હવે સહુની નજર ઓલિમ્પિક્સ 2024 પર મંડાઇ છે. કોમનવેલ્થમાં આકર્ષક દેખાવથી ભારતની ઓલિમ્પિક ગેમ્સ માટેની દાવેદારી મજબૂત થઈ છે. ભારતે વેઇટલિફ્ટિંગ, કુશ્તી, એથ્લેટિક્સ અને બોક્સિંગમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. વાસ્તવમાં આ ચાર રમતોમાં જ ભારતના ઘણા ઓછા ખેલાડી ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરી શકતા હતા. જોકે આ વખતે તેમનો દેખાવ દર્શાવે છે કે પેરિસમાં ઓલિમ્પિક 2024 માટે આપણી દાવેદારી અગાઉની તુલનામાં ઘણી મજબૂત થઈ છે. ભારતે બર્મિંગહામમાં કુલ 61 મેડલ જીત્યા છે જેમાંથી 39 (65 ટકા) આ ચાર રમતોમાં જ જીત્યા છે. એથ્લેટિક્સમાં 8 મેડલ જીત્યા છે. 2018માં માત્ર 3 મેડલ હતા. એ જ રીતે કુશ્તીમાં તમામ 12 પહેલવાનો મેડલ જીતી લાવ્યા છે. વેઇટલિફ્ટિંગમાં 10 મેડલ જીત્યા છે. ગત વખતે 9 મેડલ હતા.
ઓલિમ્પિકમાં આ નામો પર નજર રહેશે
વેઇટલિફ્ટિંગમાં ચાનુ, જેરમી અને અંચિતાઃ ઓલિમ્પિકમાં ભારતની આશાઓ આ વખતે વધુ ઊજળી છે. આ રમતમાં કોમનવેલ્થમાં 10 મેડલ જીત્યા છે. મીરાબાઈ ચાનુએ ગોલ્ડ જીતીને ઓલિમ્પિક મેડલની આશા મજબૂત બનાવી છે. ચાનુ ગત ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ કરનાર એકમાત્ર ભારતીય વેઇટલિફ્ટર હતી. 19 વર્ષનો જેરમી, 20 વર્ષીય અંચિતા પ્રબળ દાવેદાર રહેશે.
એથ્લેટિક્સમાં પોલ નવો સ્ટારઃ ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ જીતનાર એલ્ધોસ પોલ ઓલિમ્પિક માટે આશાસ્પદ નામ છે. સિલ્વર જીતનાર અબ્દુલ્લા અબુબકર કરતાં પણ વધારે સારા દેખાવ કરે એવી શક્યતા છે. જેવલિન થ્રોમાં નીરજ ચોપડા બાદ અન્નુ રાની નવી દાવેદાર બની શકે છે.
કુશ્તીમાં બધા પહેલવાનો ફોર્મમાંઃ ભારતના તમામ 12 પહેલવાનોએ મેડલ જીત્યા છે. દીપક પુનિયા, સાક્ષી મલિક, બજરંગ પુનિયા, નવીન, વિનેશ ફોગાટ રવિ કુમાર ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરી શકશે. 20 વર્ષીય અંશુ મલિક પણ ઊલટફેર કરી શકે છે.
બોક્સિંગમાં પંધાલ, નીતુ-નિખત પર નજરઃ બોક્સિંગમાં કન્વર્ઝન રેટ ઉત્તમ છે. 2018માં કોમન-વેલ્થમાં ભાગ લેનાર 12માંથી 6 ખેલાડીએ ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું હતું. પંધાલ, નીતુ અને નિખત સારો દેખાવ ફરી કરશે તો પેરિસ ઓલિમ્પિકની મેડલ ટેલીમાં તેમનું નામ હોઈ શકે છે.