ગાંધીનગરઃ વિશ્વના સૌથી મોટી ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખની જનમેદની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 36મા નેશનલ ગેમ્સને વિધિવત ખુલ્લો મૂકતા કહ્યું હતું કે જીવનમાં કોમ્પિટિશન જીતવા માટે કમિટમેન્ટ અને કન્ટિન્યૂટી અનિવાર્ય છે. દેશમાં આઠ વર્ષ પછી તથા ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલી નેશનલ ગેમ્સમાં દેશના 70000થી વધુ એથ્લીટ્સ અને 15 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં વિવિધ સ્પર્ધા યોજાઇ છે. વડા પ્રધાન મોદીએ શુક્રવારે આ રમતોત્સવનું ઉદ્ઘાટન કરતાં ખેલાડીઓને કહ્યું હતું કે, ‘સ્પોર્ટ્સમાં હાર-જીત એ કોઇ આખરી નથી. સ્પોર્ટસમેન સ્પિરીટને જીવનનો એક હિસ્સો બનાવવો પડશે.’ તેમણે કહ્યું કે, જે દેશ આર્થિક રીતે સંપન્ન છે એવા દેશો સ્પોર્ટ્સ જીતવા અને મેડલનો યાદીમાં પણ અગ્રતાક્રમે હોય છે. ભારત પણ વિતેલા કેટલાક વર્ષમાં ઓલિમ્પિક ખેલોમાં પોતાની તાકાત બનાવી રહ્યું છે. ભવિષ્યમાં ખેલકૂદમાં પણ ભારત વિશ્વમાં એક નવી તાકાત બની રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ કોઇને નામોલ્લેખ કર્યો સિવાય કહ્યું કે, ભારતના યુવાનોમાં અનેક પ્રતિભાઓ છુપાયેલી છે, પરંતુ અગાઉ ખેલકુદમાં પરિવારવાદ અને ભ્રષ્ટાચાર ઘર કરી ગયો હતો, એટલે ખેલાડીઓની પ્રતિભા બહાર આવતી ન હતી. અમે સિસ્ટમને સાફ કરી પારદર્શક બનાવી છે. ભરોસો આપ્યો છે.
નેશનલ ગેમ્સના મેસ્કોટ તરીકે સાવજ (ગીરના સિંહ) લોન્ચ કરાયો તેને ટાંકીને પીએમએ કહ્યું કે, ગીરના સિંહને પ્રદર્શિત કરતો મેસ્કોટ, એ ભારતના યુવાનોનો મિજાજ દેખાડે છે. નિડર બનીને મેદાનમાં ઉતરવાનો ઝનૂન દેખાડે છે. વિશ્વના પરિપ્રેક્ષ્યમા તેજીથી ઉભરતા ભારતના સામર્થ્યનું પ્રતિક છે.