સિઉલઃ ભારતીય બેડમિંટન ખેલાડી પી. વી. સિંધુએ ફાઈનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને ૨૨-૨૦, ૧૧-૨૧, ૨૧-૧૮થી હરાવીને કોરિયા ઓપન સુપર સિરીઝ ટાઈટલ જીતી લીધું છે. આ સાથે સિંધુએ ત્રણ સપ્તાહ પહેલા ઓકુહારા સામે વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં મળેલી હારનો બદલો વાળ્યો છે.
સિંધુએ આક્રમક દેખાવ કરતાં એક કલાક અને ૨૪ મિનિટના સંઘર્ષમય મુકાબલામાં જીત મેળવી હતી. આ સાથે સિંધુએ કારકિર્દીનું ત્રીજું સુપર સિરિઝ ટાઈટલ જીત્યું હતું. સિંધુએ ઓકુહારા સામેના આઠમા મુકાબલામાં ચોથી જીત મેળવી હતી. ફાઈનલમાં સિંધુ સામે ઓકુહારાએ આક્રમક શરૂઆત કરી હતી. જોકે સિંધુએ જબરજસ્ત લડત આપતાં બે ગેમ પોઈન્ટ બચાવ્યા હતા અને પ્રથમ ગેમ પોતાના નામે કરી હતી. આ પછી બીજી ગેમમાં ઓકુહારાનું પ્રભુત્વ રહ્યું હતુ અને તેણે ૧૦ પોઈન્ટના અંતરથી જીત મેળવી હતી, જેના કારણે મુકાબલો બરાબરી પર હતો.
ત્રીજી અને આખરી ગેમમાં સિંધુએ જીત પ્રાપ્ત કરતાં ટાઈટલ મેળવ્યું હતું. આ સાથે સિંધુએ ચાલુ વર્ષે ઈન્ડિયન ઓપન સુપર સિરીઝ ટાઈટલ જીત્યું હતું. ભારતીય કોચ પુલેલા ગોપીચંદે સિંધુના ભારોભાર વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, આજનો મુકાબલો જબરજસ્ત રહ્યો હતો. આજની મેચમાં જાણે વર્લ્ડ ચેમ્પિયનશીપનું પુનરાવર્તન જોવા મળ્યું. બંને ખેલાડીઓ ખરેખર મહાન ચેમ્પિયન છે. જેઓએ શાનદાર દેખાવ કર્યો હતો. સિંધુની જીતથી અમે ખુબ જ ખુશ છીએ.
વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન મેળવશે
પી.વી. સિંધુએ જાપાનની નોઝોમી ઓકુહારાને પરાસ્ત કરીને કોરિયા ઓપન સુપર સિરિઝ ટાઈટલ જીત્યું છે. આ સાથે સિંધુના રેન્કિંગમાં સુધારો નિશ્ચિત છે. અત્યાર સુધી વર્લ્ડ રેન્કિંગમાં ચોથા ક્રમે રહેલી ભારતીય બેડમિંટન ખેલાડી સિંધુને નવા રેન્કિંગમાં બીજો ક્રમ આપવામાં આવશે. સિંધુએ કારકિર્દીનું ત્રીજું અને સિઝનનું બીજું સુપર સિરિઝ ટાઈટલ જીત્યું હતું. તે કોરિયન ઓપન જીતનારી ભારતની સૌપ્રથમ ખેલાડી બની છે.