દુબઈઃ આઈસીસી એવોર્ડ્સ ૨૦૧૮માં ટીમ ઇંડિયાનો કેપ્ટન વિરાટ કોહલી છવાઈ ગયો છે. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા અપાતા ત્રણેય એવોર્ડ પોતાના નામે કર્યા છે. તાજેતરમાં જાહેર કરાયેલા એવોર્ડમાં માત્ર કોહલીનું જ નામ ચર્ચામાં હતું. આઈસીસીએ તેને આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર ૨૦૧૮ પસંદ કર્યો છે. આમ તેને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી અપાશે. આ ઉપરાંત કોહલીની પહેલી વખત આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદગી થઇ છે. તો તેને આઈસીસી મેન્સ વન-ડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે પણ પસંદ કરાયો છે. આ સન્માન તેણે બીજી વખત મેળવ્યું છે. ૨૦૧૨માં પણ તેને વન-ડે ક્રિકેટર પસંદ કરાયો હતો. ૨૦૧૮ના આ ત્રણેય એવોર્ડ મેળવનારો વિરાટ કોહલી દુનિયાનો એકમાત્ર ખેલાડી બની ગયો છે. આ સાથે જ વિરાટ કોહલીએ તેની કારકિર્દીની અનોખી હેટ્રિક લગાવી હતી. તે ઉપરાંત વિરાટ કોહલીને આઈસીસીની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમ તથા શ્રેષ્ઠ વન-ડે ટીમનું સુકાન પણ સોંપાયું છે.