કોલંબોઃ ચેતેશ્વર પૂજારા (૧૩૩) અને અજિંક્ય રહાણે (૧૩૨)ની શતકીય ઈનિંગ બાદ રવીન્દ્ર જાડેજા અને અશ્વિનની વેધક બોલિંગના સહારે ભારતે શ્રીલંકાને બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ઇનિંગ અને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ૨-૦થી કબજો કર્યો છે.
ટીમ ઇંડિયાએ પ્રથમ દાવમાં નવ વિકેટે ૬૨૨ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. જવાબમાં યજમાન ટીમ પ્રથમ દાવમાં ૧૮૩ રન બનાવી ઓલઆઉટ થતાં ફોલોઓન થઈ હતી. ફોલોઓન બાદ બીજા દાવમાં ઊતરેલી શ્રીલંકન ટીમ ઓપનર કરુણારત્ને અને કુસલ મેન્ડિસની સાહસિક સદી છતાં ૩૮૬ રનમાં ઓલઆઉટ થતાં ભારતનો ઇનિંગ અને ૫૩ રને ભવ્ય વિજય થયો હતો. આ સાથે ભારતીય ટીમે કોહલીની કેપ્ટનશિપમાં સતત આઠમી ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી છે.
ભારતે છેલ્લે ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ ગુમાવી હતી તે પછી કોહલીના નેતૃત્વમાં અજેય આગેકૂચ ચાલુ છે. ટેસ્ટમાં કુલ સાત વિકેટ ઝડપવા ઉપરાંત ૭૦ રન કરનાર રવીન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
અશ્વિનની ફાસ્ટેસ્ટ ડબલઃ ૧૪૦ વર્ષનો વિક્રમ
બીજી ટેસ્ટના બીજા દિવસે ઓફ સ્પિનર અશ્વિને ઇતિહાસ રચ્યો હતો. તેણે પ્રથમ દાવમાં ૫૪ રન કરતાં ટેસ્ટ કારકિર્દીના ૨૦૦૦ રન પણ પૂરા કર્યા હતા. આ અશ્વિનની ૫૧મી ટેસ્ટ છે અને આ ગાળામાં ૨૦૦૦ કરતાં વધારે રન તથા ૨૫૦ કરતાં વધારે વિકેટ ઝડપનાર વિશ્વનો ૧૪૦ વર્ષમાં પ્રથમ ઓલરાઉન્ડર બન્યો છે. આ પહેલાં ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી સર રિચાર્ડ હેડલીએ ૫૪મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. ઇંગ્લેન્ડના બોથમ તથા પાકિસ્તાનના ઇમરાન ખાને ૫૫-૫૫ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર શોન પોલોકે ૬૦ ટેસ્ટમાં ડબલનો માઇલસ્ટોન વટાવ્યો હતો. બેટિંગમાં ઉતરતી પહેલાં અશ્વિના ખાતામાં ૫૦ ટેસ્ટમાં ૧૯૫૦ રન હતા. શ્રીલંકા સામે તેણે ૫૦મો રન પૂરો કર્યો કે તેના ૨૦૦૦ રન પૂરા થયા હતા. બોલર તરીકે તે અત્યાર સુધી ૨૮૧ વિકેટ હાંસલ કરી ચૂક્યો છે.
જાડેજાની સૌથી ઓછી ટેસ્ટમાં ૧૫૦ વિકેટ
જાડેજાએ શ્રીલંકા સામે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ધનંજયા ડી સિલ્વાની વિકેટ ઝડપી ૧૫૦ ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. જાડેજાએ ૩૨મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે લેફ્ટ આર્મ બોલરોમાં સૌથી ઓછી મેચમાં ૧૫૦ વિકેટનો રેકોર્ડ બનાવ્યો છે. પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મિચેલ જોન્સન (૩૪ ટેસ્ટ)ના નામે હતો. આ સિવાય ભારતીય બોલરોમાં ફક્ત આર. અશ્વિને જ તેના કરતાં ઓછી મેચમાં ૧૫૦ વિકેટ ઝડપી છે. અશ્વિને ૨૯મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
વિદેશમાં વિજયઃ ધોનીની બરાબરી કરતો કોહલી
વિદેશી ધરતી પર જીત મેળવવાના મામલે કોહલીએ ધોનીની બરાબરી કરી છે. વિદેશી ધરતી પર કોહલીએ છઠ્ઠી જીત મેળવી હતી. ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ વિદેશમાં છ જીત મેળવી હતી. દ્રવિડના નેતૃત્વમાં ભારતે વિદેશમાં પાંચ ટેસ્ટ જીતી હતી. વિદેશમાં સૌથી વધુ ૧૧ ટેસ્ટ જીતવાનો રેકોર્ડ ગાંગુલીના નામે છે. કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ આઠમી ટેસ્ટ સિરીઝ જીતી છે. હવે માત્ર ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ કોહલીથી આગળ છે. જેની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયન ટીમે સતત નવ ટેસ્ટ મેચ સિરીઝ જીતી છે. અનિલ કુંબલેએ ૩૪-૩૪ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે હરભજન સિંહે ૩૫ મેચોમાં ૧૫૦ ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી.
જાડેજા - અશ્વિનનો ઓલરાઉન્ડ દેખાવ
જાડેજા અને અશ્વિને બીજી ટેસ્ટમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં જાડેજાએ ૭૦ રન બનાવ્યા હતા. જ્યારે અશ્વિન ૫૪ રન બનાવી આઉટ થયો હતો. અશ્વિને બોલિંગમાં પ્રથમ ઇનિંગમા પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે જાડેજાને બે વિકટ મળી હતી. શ્રીલંકાની બીજી ઇનિંગમાં જાડેજાએ પાંચ જ્યારે અશ્વિને બે વિકેટ ઝડપી હતી. આમ બંને એક ટેસ્ટમાં અર્ધી સદી ફટકારવા ઉપરાંત પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવનાર વિશ્વની ત્રીજી જોડી બની હતી. આ પહેલાં ૧૮૯૫માં ઓસ્ટ્રેલિયાના ગિફેન અને ટ્રોટની જોડીએ જ્યારે વર્ષ ૨૦૧૧માં બ્રેસન અને બ્રોડની જોડીએ આ સિદ્ધિ મેળવી હતી.
જાડેજા ત્રીજી ટેસ્ટમાંથી સસ્પેન્ડ
બીજી ટેસ્ટમાં જીતનો હીરો રહેલો ભારતીય સ્પિનર જાડેજા ત્રીજી ટેસ્ટમાં રમી શકશે નહીં. કારણ કે આઈસીસીએ આચારસંહિતાના ભંગ બદલ તેને ત્રીજી ટેસ્ટમાંથી સસ્પેન્ડ કર્યો છે. છેલ્લા ૨૪ મહિનામાં જાડેજાના કુલ નકારાત્મક પોઇન્ટ છ થઈ જતાં તેના ઉપર આ પ્રતિબંધ મૂકાયો હતો. જાડેજા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે શ્રીલંકાના ઓપનર દિમુથ કરુણારત્ને તરફ બોલ ફેક્યો હતો. બેટ્સમેન આ સમયે ક્રિઝમાં હતો. આથી આચારસંહિતાના ભંગ બદલ તેને ત્રણ નકારાત્મક પોઇન્ટ મળ્યા હતા. આ સિવાય લેવલ-બેના ભંગ બદલ મેચ ફીનો ૫૦ ટકા દંડ પણ થયો છે.