કટકઃ શહેરમાં રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં ચાર વિકેટે વિજય સાથે ભારતે વન-ડે સિરીઝ ૨-૧થી જીતી છે. વેસ્ટ ઈન્ડિઝે ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૧૫ રન કર્યા હતા, તેની સામે ભારતે ૪૮.૪ ઓવરમાં ૬ વિકેટે ૩૧૬ રન કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે સતત ૧૦મી દ્વિ-પક્ષીય વન-ડે શ્રેણી જીતી છે. વિરાટ કોહલી (૮૫)ને મેન ઓફ ધ મેચ જ્યારે રોહિત શર્માને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા. ટીમ ઇંડિયાના વિજયમાં કોહલીના ઝમકદાર બેટિંગે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. કોહલીએ તેની કેરિયરની ૫૫મી અર્ધસદી ફટકારી હતી. રાહુલે ૭૭ અને રોહિત શર્માએ ૬૩ રન કર્યા હતા. જાડેજા ૩૯ રને અને શાર્દૂલ ઠાકુર ૧૭ રને અણનમ રહ્યા હતા. મેચની આખરી ક્ષણોમાં જાડેજા અને શાર્દૂલ ઠાકુરની ફટકાબાજીએ ક્રિકેટરસિકોનાં દીલ જીત્યાં હતાં.
દસકામાં ભારત પ્રથમ ક્રમે
ભારતે ૨૦૧૦થી ૨૦૧૯ સુધીના દસકાની ૨૮૧ વન-ડેમાં જીત મેળવીને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ૨૩૫ જીત સાથે ઓસ્ટ્રેલિયા બીજા અને ૨૨૭ જીત સાથે ઈંગ્લેન્ડ ત્રીજા ક્રમાંકે રહ્યું છે.