નવી દિલ્હીઃ જ્યારથી વિરાટ કોહલી ભારતીય ટીમનો કેપ્ટન બન્યો છે ત્યારથી તે સતત નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. આ વખતે ક્રિકેટનાં મેદાનની બહાર પણ એક રેકોર્ડ કર્યો છે. વિરાટે સ્પોર્ટ્સ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ ‘પ્યૂમા’ સાથે ૮ વર્ષ માટે ૧૧૦ કરોડનો કરાર કર્યો છે. તે એક બ્રાન્ડ સાથે ૧૦૦ કરોડની ડીલ કરનાર પ્રથમ ભારતીય બન્યો છે. બ્રાન્ડનાં ગ્લોબલ એમ્બેસેડર તરીકે વિરાટનો ઉસૈન બોલ્ટ, અસાફા પોવેલ, ફૂટબોલર થિયોર હેનરી, ઓલિવર જીરુડની ક્લબમાં સમાવેશ થઇ ગયો છે.
દર વર્ષે રૂ. ૧૨થી ૧૪ કરોડ
આ ડીલમાં વિરાટને એક ચોક્કસ રકમની સાથે રોયલ્ટી પણ મળશે, જે બ્રાન્ડનાં પર્ફોર્મન્સ પર આધારિત રહેશે. વિરાટ હવે આ જર્મન કંપનીની સાથે રમત અને લાઇફસ્ટાઇલની પ્રોડક્ટ રજૂ કરશે. આ માટે વિરાટને દર વર્ષે ૧૨થી ૧૪ કરોડ રૂપિયા મળશે. વિરાટે આ ડીલ બાદ જણાવ્યું હતું કે ‘પ્યૂમા’ સાથે ઘણા બધા મહાન ખેલાડીઓ જોડાયેલા છે અને મને તેમની સાથે જોડાવામાં ગર્વ છે. હું ખુશ છું કે પ્યૂમાને ભારતમાં ઘણી લોકપ્રિયતા મળી છે.
સચિન - ધોની પણ પાછળ
આમ તો સચિન અને ધોની પણ ૧૦૦ કરોડની ડીલ કરી ચૂક્યા છે પરંતુ તેમણે આ ડીલ કોઇ કંપની જોડે ડાયરેક્ટ નહીં, પણ વિવિધ એજન્સીઓ મારફત કરી હતી. સચિન તેંડુલકરે પોતાની ૨૪ વર્ષની કારકિર્દી દરમિયાન ૫૦થી વધુ બ્રાન્ડની જાહેરાત કરી હતી. જેના માટે તેમને ૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ ફી મળી હતી. ૧૯૯૫માં વર્લ્ડ ટેલ સાથે સૌથી મોટી ડીલ રૂ. ૩૦ કરોડની કરી હતી.