લંડનઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ સુકાની હેન્સી ક્રોન્યેને સંડોવતા અને વર્ષ ૨૦૦૦માં બહુ ગાજેલા ક્રિકેટ મેચ ફિક્સિંગ કેસમાં ચાવીરૂપ આરોપી સંજીવ ચાવલાના પ્રત્યાર્પણનો માર્ગ સાત જાન્યુઆરી, સોમવારે વેસ્ટમિન્સ્ટર કોર્ટે ખુલ્લો કર્યો છે. ૫૦ વર્ષીય ચાવલાને દેશનિકાલ કરવા માટે ધ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટે લીલી ઝંડી દેખાડી છે. હવે પ્રત્યાર્પણના ઔપચારિક હુકમ માટે આ કેસ હોમ સેક્રહેટરી સાજીદ જાવિદ પાસે જશે.
અદાલતના દસ્તાવેજ પ્રમાણે દિલ્હીમાં જન્મેલો બિઝનેસમેન ૧૯૯૬માં બિઝનેસ વિઝા પર યુકે આવ્યો હતો, જયાં રહીને તે ભારતની મુલાકાત અવારનવાર લેતો હતો. વર્ષ ૨૦૦૦માં તેનો ભારતીય પાસપોર્ટ રિવોક થયા પછી ચાવલાએ ૨૦૦૫માં યુકેનો પાસપોર્ટ મેળવ્યો હતો અને બ્રિટિશ નાગરિક બની ગયો હતો. નવેમ્બરમાં યુકે હાઇકોર્ટે ચાવલાના પ્રત્યાર્પણનો નીચલી કોર્ટનો આદેશ રદ કર્યો હતો અને નવી દિલ્હીની તિહાર જેલમાં બેરેકની સ્થિતિની સુરક્ષા વ્યવસ્થા અંગે ભારત સરકાર ખાતરી આપે તે સાથે ચાવલાના પ્રત્યાર્પણની પ્રક્રિયા ફરી શરૂ કરવા ડિસ્ટ્રિક્ટ જજને આદેશ કર્યો હતો.
ચાવલા ૨૦૦૭માં ભારતને થનારા પ્રત્યાર્પણ સામેનો કેસ જીતી ગયો હતો. એ વખતે વેસ્ટ- મિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટે એવું તારણ કાઢયું હતું કે તિહાર જેલમાં તેના માનવ અધિકારોની ખાતરી મળતી નથી. આ પછી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચોમાં ફિક્સિંગના વિવાદ સાથે તેમાં ચાવલાની ભૂમિકા સામે પ્રથમદર્શી કેસ બનતો હોવાનું ૧૬ ઓક્ટોબર ૨૦૧૭ના દિવસે ડિસ્ટ્રિક્ટ જજના ચુકાદામાં સ્વીકારાયું હતું.