નવી દિલ્હીઃ ક્રિકેટની પારંપરિક શૈલી ગણાતા ટેસ્ટ ક્રિકેટમાં રવિવારે ત્રણ ગુજરાતી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો, ગુજરાતની સ્પિનર જોડી રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જ્યારે રણજી ટ્રોફી ફાઇનલમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે નોંધપાત્ર દેખાવ કર્યો હતો.
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં બીજા દાવમાં સાત વિકેટ ઝડપી હતી. જાડેજાએ બન્ને દાવમાં મળીને કુલ 10 વિકેટ મેળવતા તે સળંગ બીજી વખત પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ભારતની ઓસી. સામે પ્રથમ દાવમાં ધબડકો થયો હતો પરંતુ અક્ષર પટેલે 74 રનની મહત્વની ઇનિંગ રમીને ભારતને ઉગાર્યું હતું. સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે રણજી ફાઈનલમાં બીજા દાવમાં બંગાળની છ વિકેટ મળીને કુલ નવ વિકેટ ખેરવીને ટીમને બીજી વખત ચેમ્પિયન બનાવી હતી. ઉનડકટના આ પ્રદર્શનને પગલે તેને ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ બે ટેસ્ટમાં પુનઃ ભારતીય ટીમમાં સામેલ કરાયો છે તથા વન-ડે શ્રેણીમાં પણ 10 વર્ષ બાદ તેને ફરી તક મળી છે.