લંડનઃ અગાઉ ૧૮૮૬માં ત્રણ અઠવાડિયાની દરિયાઈ સફર બાદ ઈંગ્લેન્ડ પહોંચેલી પારસી ટીમ શેફિલ્ડના પ્રવાસ દરમિયાન તેની પ્રથમ મેચ અર્લ ઓફ શેફિલ્ડ્સ ઈલેવન સામે રમી હતી. તે સમયે પારસીઓ એક માત્ર મેચ જીત્યા હતા અને તે પણ નોર્મનહર્સ્ટ સામે મર્યાદિત ઓવરની વન-ડે મેચ હતી. પારસીઓના ૧૮૮૬ના આ ઐતિહાસિક સાહસની સોનેરી ક્ષણોને પુનઃજીવંત કરવા અને તેને યાદ કરવા માટે ક્રિકેટ જગતમાં અતિ લોકપ્રિય ‘૧૮૮૬ ટ્રોફી’ નું આયોજન કરાયું હતું. જેમાં ૨૩ ઓગસ્ટ,૨૦૧૯ના રોજ લંડનના ઓવલ ખાતે રમાયેલી મેચમાં પારસી જીમખાનાની ટીમે સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબની ચાર્લ્સ અલકોક ઈલેવનને ૬૮ રને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
પારસી જીમખાનાના વાઈસ પ્રેસિડેન્ટ અને ક્રિકેટ સેક્રેટરી ખોદદાદ યઝદેગર્દીએ ઈંગ્લિશ બિઝનેસમેન અને ક્રિકેટરસિક મેટ ગ્રીનવેલ સાથે મળીને આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. ૧૩૩ વર્ષ બાદ માત્ર ઝોરોસ્ટ્રિયનો સાથેની પારસી જીમખાના ક્રિકેટ ટીમે ૧૮થી ૨૮ ઓગસ્ટ, ૨૦૧૯ દરમિયાન યુકેનો પ્રવાસ કર્યો હતો. રેડ ટુર્સના સ્થાપક અને સીઈઓ ઝહિર શ્રોફ પારસી જીમખાનાની યુકેની ૧૮૮૬ ટ્રોફી ટુરના હોસ્પિટાલિટી પાર્ટનર તરીકે જોડાયા હતા.
હેરોના મેયર કાઉન્સિલર નીતિન પારેખે ‘પારસી ટાઈમ્સ’ને જણાવ્યું હતું કે યુકેમાં પારસી જીમખાનાની ટીમને મળીને ખૂબ આનંદ થયો. ઈતિહાસના પુનરાવર્તનને તેમજ ક્રિકેટિંગ સાહસની પરંપરાને સતત ચાલતી જોવી એ અદભૂત છે.’
ખોરદાદ સાલની ઉજવણી માટે ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપના પ્રમુખ માલ્કમ ડેબૂએ પારસી જીમખાનાની ટીમ, બોલિવુડ એક્ટર બોમન ઈરાની અને ચાર્લસ અલકોક ટીમના સભ્યો માટે પ્રિ-મેચ ડિનરનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે હેરોના મેયર કાઉન્સિલર નીતિન પારેખ, ભૂતપૂર્વ મેયર કાઉન્સિલર રેખા શાહ, બ્રેન્ટ એન્ડ હેરોના નવિન શાહ AM, ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ, સોનુ મલકાની સહિત ૩૫૦થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બોમન ઈરાનીએ ગીતો ગાઈને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.