લંડન: જેન્ટલમેન્સ ગેમ ક્રિકેટના નિયમો ઘડતી સંસ્થા મેલબોર્ન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ કેટલાક નિયમોમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે, જે આગામી ઓક્ટોબરથી અમલી બનશે. નવા ફેરફાર અનુસાર વિવાદાસ્પદ બનેલું ‘માંકડિંગ’ હવે ખેલભાવનાથી વિપરિત એવું ‘અનફેર પ્લે’ નહીં ગણાય, પરંતુ ખેલાડી રનઆઉટ ગણાશે. આ ઉપરાંત હવે ખેલાડીઓ બોલને ચમકાવવા માટે તેના પર સલાઇવા (લાળ) લગાવી શકશે નહીં. એમસીસીએ ‘માંકડિંગ’ અંતર્ગત સામેના છેડા પર ઊભેલા બેટરને રનઆઉટ કરવા સંબંધિત નિયમોમાં ફેરફારની મંજૂરી આપી છે. હવે આ નિયમને ‘અનફેર’ની શ્રેણીથી હટાવીને ‘રનઆઉટ’ની શ્રેણીમાં મુકાયો છે. ‘માંકડિંગ’નો અર્થ થાય છે, બોલર બોલિંગ કરતી વખતે બોલ નાંખવાના બદલે નોન સ્ટ્રાઈકર બેટર ક્રીઝ બહાર હોય, ત્યારે તેના બેઈલ્સ ઉડાવી દે. એ રીતે પણ બેટર આઉટ જ ગણાય છે. જોકે આવું થાય છે ત્યારે ‘અનફેર પ્લે’ના નામે વિવાદ થાય છે.
‘માંકડિંગ’ નામ કેમ મળ્યું?!
સૌથી પહેલાં ૧૯૪૮માં ભારતના મહાન ખેલાડી વિનુ માંકડે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બિલ બ્રાઉનને બીજા છેડે આ રીતે આઉટ કર્યો હતો. આ પહેલાં તેમણે બ્રાઉનને બોલ ફેંકાયા પૂર્વે જ ક્રિઝ છોડવા સામે ચેતવ્યો પણ હતો, છતાં તેણે ક્રિઝ છોડતાં વિનુ માંકડે તેના બેઇલ્સ ઉડાવી દીધા હતા. બેટરને આ રીતે આઉટ કરવાની શૈલીને ઓસ્ટ્રેલિયન મીડિયાએ ‘માંકડિંગ’ નામ આપ્યું હતું. જોકે સુનીલ ગાવસ્કર જેવા મહાન ખેલાડીઓએ તેને વિનુ માંકડનું અપમાન ગણીને આકરો વિરોધ કર્યો હતો. હવે એમસીસીના લો મેનેજર ફ્રેઝર સ્ટીવર્ટે કહ્યું છે કે, એમસીસીના તાજા નિયમોમાં કરેલા ફેરફાર ઓક્ટોબરથી લાગુ થશે. નવા નિયમો લાગુ કરતા પહેલા દુનિયાભરના અધિકારીઓને તે વિશે સમજવાની તક અપાશે.
બોલ પર થૂંકનો ઉપયોગ બંધ
એમસીસીએ એ પણ કહ્યું છે કે બોલને ચમકાવવા માટે થૂંકનો ઉપયોગ હવે અયોગ્ય ગણાશે. કોરોના મહામારીના કારણે આઈસીસીએ બોલ પર લાળના ઉપયોગ પર રોક લગાવી હતી. એમસીસીએ કહ્યું છે કે, અમારા સંશોધનમાં માલુમ પડ્યું છે કે બોલની મૂવમેન્ટ (સ્વિંગ) પર લાળની કોઈ અસર નથી થતી. એ પદ્ધતિ વગર પણ બોલિંગ એટલી જ અસરકારક છે. ફિલ્ડરો માટે પણ ગળી ચીજવસ્તુ ખાઈને બોલ પર થૂંક લગાવવા પર રોક લગાવી દેવાઈ છે.