મુંબઈઃ ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર ઈરફાન પઠાણે તમામ સ્તરના ક્રિકેટમાંથી એક ખેલાડી તરીકે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ૩૫ વર્ષીય ઈરફાન છેલ્લી સ્પર્ધાત્મક મેચ ફેબ્રુઆરી-૨૦૧૯માં જમ્મુ-કાશ્મીર તરફથી સૈયદ મુસ્તાક અલી ટી-૨૦માં રમ્યો હતો. વર્ષ ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયા પ્રવાસથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કરનારા ઈરફાન પઠાણની ઓલરાઉન્ડર પ્રતિભાની સરખામણી ઘણી વખત કપિલ દેવની સાથે થતી હતી.
ધોનીની કેપ્ટન્સીમાં ૨૦૦૭માં વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમ તરફથી ઈરફાને નોંધપાત્ર દેખાવ કર્યો હતો. તે ફાઈનલમાં મેન ઓફ ધ મેચ બન્યો હતો. તે ટેસ્ટમાં હેટ્રિક ઝડપનારો ભારતનો સૌપ્રથમ ફાસ્ટર બન્યો હતો.
ઈરફાને ૨૯ ટેસ્ટમાં ૧ સદી અને ૬ અડધી સદી સાથે ૧૧૦૫ રન ફટકારવાની સાથે ૧૦૦ વિકેટ ઝડપી હતી. જ્યારે ૧૨૦ વન-ડેમાં પાંચ અડધી સદી સાથે તેણે ૧,૫૪૪ રન ફટકાર્યા હતા અને ૧૭૩ વિકેટ ઝડપી હતી. જ્યારે ટી-૨૦માં તેણે ૨૪ મેચોમાં ૧૭૨ રન કરવાની સાથે ૨૮ વિકેટ પણ ઝડપી હતી.
વડોદરાનો ઓલરાઉન્ડર ક્રિકેટર ઇરફાન ૨૦૧૮થી જમ્મુ-કાશ્મીર ક્રિકેટના મેન્ટર કમ પ્લેયર તરીકે જોડાયો હતો. ત્યાર બાદ તેણે કોચિંગ પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.
બાંગ્લાદેશ સામે અંડર-૧૯ મેચમાં ૯ વિકેટ ઝડપી
પાકિસ્તાનમાં ૨૦૦૩માં યોજાયેલી અંડર-૧૯ એશિયા કપની મેચમાં ભારત તરફથી શાનદાર દેખાવ કરનારા ઈરફાને આગવું આકર્ષણ જમાવ્યું હતું. તે ટુર્નામેન્ટમાં ઈરફાને બાંગ્લાદેશ સામેની મેચમાં નવ વિકેટ ઝડપીને સનસનાટી મચાવી હતી. આ પછી તેને ૨૦૦૩ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાં સામેલ કરાયો હતો.
કારકિર્દીની યાદગાર પળ
નિવૃત્તિની જાહેરાત કરવાની સાથે ઈરફાન પઠાણે કહ્યું કે, મારી કારકિર્દીમાં ઘણી પળો યાદગાર છે. મારી પહેલી વિકેટના રૂપમાં હેડનને આઉટ કરવો તેનો પણ તેમાં સમાવેશ થાય છે. જોકે મારા હૃદયની સૌથી નજીક હોય તે પળ એ છે કે જ્યારે મને ઈન્ડિયા કેપ મળી, પોતાના દેશ માટે પહેલી વખત રમવું અને દેશની ટીમના પ્રતિનિધિ તરીકે કેપ મેળવવી તે ખરેખર વિશિષ્ટ સન્માન છે.