ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદાની લાશ નદીમાંથી મળી

Wednesday 13th December 2017 07:19 EST
 
 

અમદાવાદ: ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદા સંતોક સિંહનો મૃતદેહ દસમીએ સાબરમતી નદીમાંથી મળી આવ્યો હતો. ૮૪ વર્ષના સંતોક સિંહ પૌત્ર જસપ્રીતને મળવા અમદાવાદ આવ્યા હતા. તેઓ લાપતા થયાની અમદાવાદમાં રહેતી તેમની દીકરીએ આઠમીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સંતોક સિંહ ઉત્તરાખંડમાં રિક્ષા ચલાવતા હતા. જસપ્રીતના પિતા અને સંતોકસિંહના પુત્ર જસબીરનું ૨૦૦૭માં નિધન થયા પછી ફેબ્રિકેશનની ફેક્ટરીઓ વેચીને સંતોક સિંહ ઉત્તરાખંડ ચાલ્યા ગયા ત્યાં પડતીનાં દિવસો આવતાં રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા.
જસપ્રીતનો પાંચમી ડિસેમ્બરે જન્મદિવસ હતો એટલે એને મળવા માટે સંતોક સિંહ અમદાવાદ આવ્યા હતા, પણ ભૂતકાળના કૌટુંબિક ઝઘડાને કારણે જસપ્રીતના માતા દલજીત અને બહેન જુહીકાએ સંતોક સિંહને જસપ્રીતને મળવા દીધા નહોતા. બાદમાં તેઓ લાપતા હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સંતોક સિંહના પુત્રી વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. સંતોક સિંહ પહેલી ડિસેમ્બરે દીકરીના ઘેર આવ્યા હતા. ફરિયાદમાં છે કે, સંતોક સિંહ પૌત્ર જસપ્રીતને મળવા માગતા હતા, પણ તેઓ મળી શક્યા નહોતા.
સંતોક સિંહે જસપ્રીતને ટીવી પર જોયો હતો અને તેઓ પૌત્રને મળવા માગતા હતા એટલે તેઓ અમદાવાદ આવ્યા હતા ને જન્મદિવસે પૌત્રને મળવા માગતા હતા. પરંતુ જસપ્રીતના માતા દલજીત કૌર, જેઓ અમદાવાદની એક શાળામાં શિક્ષિકા છે, એમણે સસરા સંતોક સિંહને જસપ્રીતને મળવા કે વાત કરવા દીધી નહોતી. એમણે જસપ્રીતનો ફોન નંબર પણ એમને આપ્યો નહોતો. જેથી સંતોક સિંહ ખૂબ ભાંગી પડ્યા હતા અને આઠમી ડિસેમ્બરની બપોર પછી ઘેર પાછા ફર્યા નહોતા. આઠમીએ સંતોક સિંહે ઝારખંડમાં રહેતા એમના પુત્ર બલવિન્દર સિંહને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું હવે તારી સ્વર્ગસ્થ માતા પાસે જઈ રહ્યો છું. સંતોક સિંહે જુહીકાને પણ ફોન કરીને કહ્યું હતું કે હું હવે તારા સ્વર્ગસ્થ પિતા પાસે જઈ રહ્યો છું. જ્યારે જસપ્રીતના દાદાની લાશ મળી ત્યારે તે ધરમશાલામાં શ્રીલંકા સામે પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં રમતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter