મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી ક્રિસ ગેઇલ ભલે આઈપીએલ 2022નો હિસ્સો ના હોય પરંતુ તેની નજર આગામી વર્ષની આઈપીએલમાં કમ બેક કરવા પર છે. ગેઇલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ લીગમાં તેને ઉચિત સમ્માન મળ્યું ન હોવાના પરિણામે તેણે 2022ના ઓક્શન માટે પોતાનું નામ મોકલ્યું ન હતું. જોકે હવે લાગે છે કે આ રમતને તેની જરૂર છે અને તે આગામી વર્ષે ચોક્કસ કમ બેક કરશે. ગેઇલ અત્યાર સુધી આઈપીએલમાં પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ એમ ત્રણ ફ્રેન્ચાઇઝી માટે રમી ચૂક્યો છે. ગેઇલે જણાવ્યું હતું કે તે આરસીબી અને પંજાબમાંથી કોઇ એક ટીમ માટે રમીને ખિતાબ હાંસલ કરવા માંગે છે. ગેઇલે આ મુલાકાતમાં જણાવ્યું હતું કે રમત માટે અને આઈપીએલ માટે આટલું બધું કર્યા બાદ પણ આઈપીએલમાં જે કાંઇ થયું તેના કારણે મને લાગ્યું કે મારી સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો નથી. તેના કારણે ગુસ્સે થઇને મેં મારી જાતને ડ્રાફ્ટ કરી ન હતી.