નોટિંગહામઃ એશિઝ સીરિઝમાં કારમા પરાજયના ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઓવલમાં ૨૦ ઓગસ્ટથી રમાનારી સીરિઝની પાંચમી ટેસ્ટ મેચ તેની આંતરરાષ્ટ્રીય કેરિયરની છેલ્લી મેચ હશે.
કેપ્ટન ક્લાર્કે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમના અન્ય ખેલાડીઓ પણ સીરિઝ બાદ નિવૃત્તિ જાહેર કરે તેવી શક્યતા છે. સંભવ છે કે આગામી એશિઝમાં અત્યારની ટીમમાંથી અડધોઅડધ ખેલાડીઓ જોવા નહીં મળે. ટીમમાં વોટસન, જ્હોન્સન, બ્રેડ હેડીન જેવા ખેલાડીઓનું આગામી એશિઝ ટીમમાં પરત ફરવું લગભગ અશક્ય છે.
બીજી તરફ, કોચ ડેરેન લેહમેને ટીમના નબળા પ્રદર્શન અંગે જણાવ્યું હતું કે ટીમના કારમા પરાજય માટે હું અને ચીફ સિલેક્ટર રોડની માર્શ જવાબદાર છીએ. અમારે ટીમને પાંચ બોલર સાથે મેદાનમાં ઉતારવાની જરૂર હતી.
અને ક્લાર્કે નિર્ણય બદલ્યો
ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટ મેચના ત્રીજા જ દિવસે ઓસ્ટ્રેલિયાને ઈનિંગ્સ અને ૭૮ રને હરાવીને શ્રેણીમાં ૩-૧ની સરસાઈ અજેય સરસાઈ મેળવી હતી. ૩૪ વર્ષીય ક્લાર્કની એ ૧૧૪મી ટેસ્ટ મેચ હશે. નોંધનીય છે કે મેચના ચાર દિવસ પહેલાં જ તેણે કહ્યું હતું કે ટ્રેન્ટબ્રિજ ટેસ્ટનું પરિણામ ગમે તે હોય તે નિવૃત્તિ નહીં લે, પરંતુ ચોથી ટેસ્ટમાં મળેલી શરમજનક હારે તેને વિચાર બદલવા મજબુર કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ ૬૦ રનમાં સમેટાઈ ગયા બાદથી જ તેના પર દબાણ વધી ગયું હતું. આ સિરિઝમાં તેનો દેખાવ અત્યંત નિરાશાજનક રહ્યો હતો. ક્લાર્કે કહ્યું કે તે સારો દેખાવ કરી શક્યો નથી તેથી રમતને અલવિદા કહેવાનો આ યોગ્ય સમય છે. તે નસીબદાર છે કે ૧૦૦થી વધુ ટેસ્ટ રમવાની તેને તક મળી છે. તેને સિનિયર ખેલાડીઓ પાસેથી શીખવાની તક મળી હતી. તેણે જે કંઈ પણ શીખ્યું તે રમતને પાછું આપવા માગશે. તેને ગર્વ છે કે આ લડાયક ટીમનો હું ભાગ હતો.
ક્લાર્ક ઓવલમાં પોતાની ૧૧૪મી ટેસ્ટ રમશે. તે અત્યાર સુધી ૨૮ સદી અને ૨૭ અડધી સદી સાથે ૮૬૩૨ રન બનાવી ચૂક્યો છે. છેલ્લા લાંબા સમયથી તે આઉટ ઓફ ફોર્મ છે.
મોટી વયના ખેલાડીઓ વધુ
ઓસ્ટ્રેલિયાની વર્તમાન ટીમમાં મોટી ઉંમરના ખેલાડીઓ વધુ છે. આ ખેલાડીઓમાં ઓપનર ક્રિસ રોજર્સ ૩૭ વર્ષનો છે અને તે સિરીઝ પહેલાં જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે. મીડલ ઓર્ડર બેટ્સમેન એડમ વોગ્સ પણ ૩૫ વર્ષનો થઈ ગયો છે. તો ૩૪ વર્ષીય શેન વોટસન સતત ખરાબ ફોર્મમાં છે. ત્રણ ટેસ્ટ મેચ રમી ચૂકેલા ફવાદ અહેમદનો સિરીઝમાં સમાવેશ કરાયો છે, પરંતુ અંતિમ ઇલેવનમાં સમાવાયો નથી. તે પણ ૩૪ની વય વટાવી ચૂક્યો છે. શોન માર્શ ૩૨ વર્ષનો થઈ ગયો છે અને તે ટીમમાં પોતાનું કાયમી સ્થાન બનાવી શક્યો નથી. ૩૨ વર્ષીય મિચેલ જ્હોન્સને ગત એશિઝમાં તરખાટ મચાવ્યો હતો અને હીરો બની ગયો હતો. જોકે આ વખતે સતત નિષ્ફળ જતાં તેની કારકિર્દી પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. હેડીનની ઉંમર ૩૭ વર્ષની થઈ ગઈ છે અને પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ તેને બાકીની ત્રણ ટેસ્ટમાં સ્થાન અપાયું નથી તે જોતાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બન્યું છે.
ટીમમાં ધરમૂળથી પરિવર્તનની શક્યતા
ઓસ્ટ્રેલિયાની ટીમમાં આગામી સમયમાં મોટા ફેરફાર જોતાં વન-ડે ટીમના એરોન ફિન્ચ, જ્યોર્જ બેલી, ગ્લેન મેક્સવેલ અને જેમ્સ ફોકનર જેવા ખેલાડીઓ છે જ્યારે યુવા ખેલાડીઓની પણ ઓસ્ટ્રેલિયા પાસે ભરમાર છે. જોકે તેઓને ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન આપવાનો નિર્ણય ઓસ્ટ્રેલિયા માટે આગામી સમયમાં મોટો પડકાર છે.