પેરિસઃ ફ્રેન્ચ ઓપન 2022ની મેન્સ સિંગલ્સની એકતરફી બની ગયેલી ફાઇનલમાં રવિવારે સ્પેનના રાફેલ નદાલે આઠમી ક્રમના નોર્વેના કેસ્પર રુડને સીધા સેટમાં હરાવ્યો હતો. આ સાથે જ તેણે ફરી એક વાર સાબિત કરી દીધું હતું કે તે ક્લે કોર્ટનો બાદશાહ છે.
નદાલ 14મી વાર ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો છે. આ અગાઉ નદાલે 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020માં આ ટાઇટલ જીતી લીધાં હતાં. સમગ્ર મેચ દરમિયાન રુડ ક્યારેય પણ નદાલ પર દબાણ લાવી શક્યો ન હતો અને દરેક સેટ આસાનીથી હારતો ગયો હતો. રુડ પ્રથમ બે સેટમાં તો કેટલાક પોઇન્ટ હાંસલ કરવામાં સફળ રહ્યો હતો પણ છેલ્લા સેટમાં તો તે પૂરેપૂરો નદાલને સરન્ડર થઇ ગયો લાગતો હતો.
નદાલનું 22મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ
તમામ ગ્રાન્ડસ્લેમની ગણતરી કરીએ તો નદાલનું આ 22મું ટાઇટલ છે. તેના બે અગ્રણી હરીફો જોકોવિચ અને ફેડરર 20-20 ટાઇટલ સાથે બીજા ક્રમે છે. આમ તેણે હરીફો વચ્ચેનું અંતર પણ લાંબુ કર્યું છે.
ગુરુ સામે ચેલો હાર્યો
સ્પેનના ટેનિસ સ્ટાર નદાલે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં નોર્વેના કેસ્પર રુડને સીધા સેટમાં પરાજય આપ્યો હતો. સવા બે કલાક ચાલેલી મેચમાં નડાલે 6-3, 6-3 અને 6-0થી રુડને પરાજય આપ્યો હતો. આ સાથે જ 36 વર્ષીય નદાલ ફ્રેન્ચ ઓપનમાં સીધા સેટમાં ફાઈનલ જીતનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. મહત્ત્વની વાત એ છે કે 2018માં નદાલની એકેડમીમાં જ રુડ ટ્રેનિંગ લેતો હતો અને હવે ફાઈનલમાં રુડનો પરાજય પોતાના જ ગુરુ સામે થયો હતો.
નદાલની માઈલસ્ટોન સિદ્ધિ
• નદાલે રેકોર્ડ 14મી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું, નદાલ સૌથી વધુ વખત ફ્રેન્ચ ઓપન અને એક જ ગ્રાન્ડસ્લેમ સૌથી વધુ વખત જીતવાનો રેકોર્ડ પણ ધરાવે છે. • નદાલે 22મું ગ્રાન્ડસ્લેમ જીતવાની સાથે સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવાના રેકોર્ડને વધુ મુશ્કેલ બનાવ્યો છે. આ યાદીમાં બીજા સ્થાને ફેડરર-યોકોવિચ છે. • નદાલે 36 વર્ષની ઉંમરે ટાઈટલ જીતીને સૌથી મોટી ઉંમરે ફ્રેન્ચ ઓપન જીતવાનો સ્પેનના જ એન્ડ્રેસ જીમેનો (1972)નો રેકોર્ડ તોડ્યો છે. એન્ડ્રેસ 34 વર્ષની ઉંમરે ટાઈટલ જીત્યા હતા. • નદાલ ફ્રેન્ચ ઓપનમાં કારકિર્દીની 112મી મેચ જીત્યો છે. તે અહીં માત્ર ત્રણ જ મેચ હાર્યો છે. • નદાલ તેની કારકિર્દીમાં પહેલી વાર એક જ વર્ષમાં ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન જીત્યો.