જયપુરઃ કોરોના વાઇરસની મહામારીના ઘણા અગાઉથી ક્રિકેટર્સના વર્કલોડ મેનેજમેન્ટ અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે અને ઘણા નિષ્ણાતો પોતાના અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે અને હંમેશાં બીસીસીઆઇએ આ દિશામાં કોઈ ચોક્કસ પગલાં ભર્યા નથી.
ભારતીય ટીમના નવા કોચ રાહુલ દ્રવિડે પોતાનો હોદ્દો સંભાળવાની સાથે એક બાબતની સ્પષ્ટતા કરી દીધી છે કે, ભારતીય ક્રિકેટર્સના વર્કલોડ મેનેજમેન્ટ અંગે કેટલાક ચોક્કસ પગલાં ભરવામાં આવશે.
ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટી૨૦ મેચની પૂર્વસંધ્યાએ દ્રવિડે જણાવ્યું હતું કે, ખેલાડીઓ મશીન નથી. ટીમમાં વર્કલોડ મેનેજમેન્ટનો અમલ કરવાની જરૂર છે. વર્કલોડ મેનેજમેન્ટ ક્રિકેટનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આપણે તેને ફૂટબોલમાં પણ જોઈએ છીએ. ખેલાડીઓની માનસિક અને શારીરિક ભલાઈ પ્રાથમિકતા રહેશે. અમારે બેલેન્સ જાળવી રાખવાની જરૂર છે. હાઇએસ્ટ લેવલ માટે ખેલાડીને ફિટ કરવાની દિશામાં અમારે વધારે કાર્ય કરવાનું છે.
દ્રવિડે જણાવ્યું હતું કે, આગામી પડકાર માટે તમામ ખેલાડીઓ સ્વસ્થ અને સંપૂર્ણ ફિટ રહે તેવું અમે ઇચ્છીએ છીએ. અમે જે પણ સિરીઝ રમીશું તેની ઉપર બારીકાઈથી ધ્યાન રાખીશું જે વર્કલોડ મેનેજમેન્ટનો એક ભાગ રહેશે.
આઇપીએલમાં રમ્યાના ગણતરીના દિવસોમાં ભારતીય ટીમને ટી૨૦ વર્લ્ડ કપમાં રમવાનું થયું હતું જેના કારણે ખેલાડીઓને આરામ કરવાની સહેજ પણ તક મળી નહોતી અને તેઓ માનસિક રીતે પણ થાકેલા જણાતા હતા.