નવી દિલ્હીઃ ભારતનાં પૂર્વ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે બેંગ્લૂરુ ટેસ્ટ મેચમાં સર્જાયેલા ડીઆરએસ વિવાદમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવન સ્મિથ પર કોઈ કાર્યવાહી ન કરાતાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ટીકા કરી છે. બેંગ્લૂરૂ ટેસ્ટ મેચમાં સ્મિથે ડીઆરએસ લેવા મામલે ડ્રેસિંગ રૂમની મદદ માગી હતી, જે અંગે ભારતીય ક્રિકેટ બોર્ડે આઈસીસીમાં રજૂઆત કરી હતી. જોકે આઈસીસીએ આ મામલે સ્મિથ પર કોઈ કાર્યવાહી કરી નથી.
સ્મિથ પર કાર્યવાહી ન કરાતાં સુનિલ ગાવસ્કરે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, રાંચી ટેસ્ટમાં વિરાટ કોહલીને ડીઆરએસ મામલે ડ્રેસિંગ રૂમની મદદ લેતાં જોવા માગું છું અને ઇચ્છું છું કે, આઈસીસી પણ તેની પર કોઈ કાર્યવાહી ન કરે. ગાવસ્કરે કહ્યું કે, આ પ્રકારે આઈસીસી દ્વારા કોઈ પગલાં ન ભરાય તે યોગ્ય નથી. ગાવસ્કરે કહ્યું કે, આ મામલે મેચ રેફરીએ કશું કહ્યું નહોતું. આઇસીસી પણ ચૂપ રહ્યું છે. આથી કહી શકાય કે, વિરાટ કોહલી અને બીસીસીઆઈ માટે આ એક આંચકાજનક બાબત છે.