મુંબઇઃ ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટસની ટીમ આઇપીએલ સિઝન-15માં એન્ટ્રી સાથે જ છવાઇ ગઇ છે. પ્લે ઓફ રાઉન્ડ તરફ આગેકૂચ કરી રહેલી આ બન્ને ટીમો વચ્ચે મંગળવારે ભારે રોમાંચક રમાઇ હતી, જેમાં છેવટે ગુજરાત ટાઇટન્સનો વિજય થયો હતો. લો સ્કોરિંગ મેચમાં પણ ગુજરાતે 62 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ સાથે જ ગુજરાત ટાઇટન્સનો પ્લે ઓફ રાઉન્ડમાં પ્રવેશ થયો છે. પ્રથમ બેટિંગ કરનાર ગુજરાત ટાઇટન્સનો દાવ માત્ર 144 રનમાં સમેટાયો હતો. આમ લખનઉ માટે વિજયી લક્ષ્યાંક મુશ્કેલ નહોતો, પરંતુ તેની બેટિંગ હરોળે જાણે શરણાગતિ સ્વીકારી લીધી હોય તેમ તેનો દાવ માત્ર 82 રનમાં સમેટાઇ ગયો હતો. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને ચાર વિકેટ ઝડપીને વિજયનો પાયો નાંખ્યો હતો.
બુમરાહ ફરી વળ્યો, પણ મુંબઇએ મેચ ગુમાવી
પેસ બોલર જસપ્રીત બુમરાહે ટ્રિપલ મેઇડનની સિદ્ધિ મેળવી હોવા છતાં 13 રનમાં છ વિકેટ ગુમાવનાર મુંબઈ ઇન્ડિયન્સનો સોમવારે રમાયેલી આઈપીએલની લીગ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 52 રને પરાજય થયો હતો. આ સાથે કોલાકાતા ટીમે પ્લો એફમાં સ્થાન મેળવવાની આશા જીવંત રાખી છે. કોલકાતાના નવ વિકેટે 165 રનના જવાબમાં મુંબઈની ટીમનો દાવ 17.3 ઓવરમાં 113 રનમાં સમેટાઇ ગયો હતો. ઓપનર ઇશાન કિશને સર્વાધિક સ્કોર 51 રન બનાવ્યા હતા. કમિન્સે 22 રનમાં ત્રણ અને રસેલે 22 રનમાં બે વિકેટ ઝડપી હતી. બુમરાહે 10 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. વર્તમાન આઇપીએલમાં બીજી વખત કોઈ બોલરે એક મેચમાં પાંચ વિકેટ ઝડપી છે. આ પહેલાં ઉમરાન મલિકે પાંચ વિકેટ ખેરવી હતી. ઓવરઓલ આઇપીએલમાં પાંચમી વખતે એક જ ઓવરમાં કોઈ બોલરે એક પણ રન આપ્યા વિના ત્રણ વિકેટ ઝડપી છે. બુમરાહે તેના સ્પેલની ત્રીજી ઓવરમાં સેલ્ડન જેક્સન (5), કમિન્સ (0) અને નરૈનને (0) આઉટ કરતા કોલકાતાનો ધબકડો થયો હતો. કોલકાતાના છ બેટ્સમેન બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા.
ઇજાગ્રસ્ત સૂર્યકુમાર આઈપીએલમાંથી બહાર
ઇજાને કારણે લીગની શરૂઆતની કેટલીક મેચો ગુમાવનાર સૂર્યકુમાર યાદવે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં પુનરાગમન કર્યું હતું. જોકે મુંબઈની 11મી મેચ પહેલાં સૂર્યકુમાર વધુ એક વખત ઇજાગ્રસ્ત બન્યો છે અને તે મુંબઈની બાકીની તમામ મેચો ગુમાવશે. આ સાથે તેના માટે આઈપીએલનું અભિયાન પૂરું થઈ ગયું છે. ગુજરાત સામેની મેચમાં તેના ડાબા હાથના સ્નાયુ ખેંચાઈ ગયા છે. તેણે આઠ મેચમાં 43.29ની સરેરાશથી 303 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા ખાતે ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા ટી20 વર્લ્ડ કપ પહેલાં સૂર્યકુમારને થયેલી ઈજા ભારતીય ટીમ માટે ફટકા સમાન છે કારણ કે ટી20 ટીમનો મહત્ત્વપૂર્ણ સભ્ય છે.
હૈદરાબાદનો કારમો પરાજય
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં બેંગ્લોરે આપેલા 193 રનના લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાદની ઇનિંગ 19.2 ઓવરમાં 125 રનમાં પૂરી થઇ ગઇ હતી. આમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 67 રને વિજય થયો હતો. હૈદરાબાદે ફક્ત પાંચ બોલમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. કેન વિલિયમસન શૂન્ય રને રનઆઉટ થયો હતો જ્યારે અભિષેક શર્મા શૂન્ય રને મેક્સવેલની બોલિંગમાં ક્લીનબોલ્ડ થયો હતો. તે પછી વાણિન્દુ હસરંગાના સપાટા સામે કોઇ ખેલાડી ટકી શક્યો ન હતો. વાણિન્દુ હસરંગાએ ચાર ઓવરમાં ફક્ત 18 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેણે એક ઓવર મેઇડન ફેંકી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ વાણિન્દુ હસરંગા પ્લેયર ઓફ ધી મેચ થયો હતો. રાહુલ ત્રિપાઠીએ એક છેડો સાચવી રાખતાં ફિફ્ટી નોંધાવી હતી પરંતુ તેમ છતાં તે પોતાની ટીમને પરાજયમાંથી ઉગારી શક્યો ન હતો.
કોહલી ત્રીજી વાર ગોલ્ડન ડકનો શિકાર
આરસીબીનો ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હૈદરાબાદ સામે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને પ્રથમ ઈનિંગના પ્રથમ બોલ પર શૂન્યમાં આઉટ થયો હતો. આઈપીએલની આ સિઝનમાં ત્રણ વાર ગોલ્ડન ડક પર આઉટ થનારો આરસીબીનો પ્રથમ ખેલાડી બન્યો છે. હૈદરાબાદના સ્પિનર જગદીશે પહેલા બોલમાં જ કોહલીને કેપ્ટન વિલિયમસનના હાથમાં કેચઆઉટ કરાવ્યો હતો.
ચેન્નઇ સુપરકિંગ્સનો શાનદાર વિજય
ચેન્નઇ સુપર કિંગ્સે રવિવારની બીજી આઈપીએલ લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સને આસાનીથી પરાજય આપ્યો હતો. ચેન્નઇએ ટોસ ગુમાવ્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 208 રન કર્યા હતા, જેના જવાબમાં દિલ્હીની ટીમ ફક્ત 117 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. આમ ચેન્નઇનો દિલ્હી કેપિટલ્સ સામે 91 રને વિજય થયો હતો. ચેન્નઇ તરફથી મોઇન અલીએ ચાર ઓવરમાં ફક્ત 13 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે સિમરજીતે ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની 110 રનની ભાગીદારી બાદ ચેન્નઇ સુપર કિંગ્સે દિલ્હી સામે 20 ઓવરમાં 208 રન નોંધાવ્યા હતાં અને દિલ્હીને જીતવા માટે 209 રનનું લક્ષ્ય આપ્યું હતું. ચેન્નઇ તરફથી ગાયકવાડે 41 રન અને કોનવેએ રન નોંધાવ્યા હતાં.
રાજસ્થાન રોયલ્સનો શાનદાર સાતમો વિજય
લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલની શાનદાર બોલિંગ બાદ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે નોંધાવેલી અડદી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે ગયા શનિવારે રમાયેલી લીગ મેચમાં પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં સાતમો વિજય હાંસલ કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર પંજાબ કિંગ્સે પાંચ વિકેટે 189 રન કર્યા હતા. જવાબમાં રાજસ્થાને બે બોલ બાકી રાખીને ચાર વિકેટના ભોગે ટાર્ગેટ પૂરો કર્યો હતો. મેન ઓફ ધ મેચ જયસ્વાલે 41 બોલમાં નવ બાઉન્ડ્રી અને બે સિક્સર વડે 68 રન બનાવ્યા હતા. રનચેઝ માટે મેદાને પડેલી રાજસ્થાનની ટીમ માટે જયસ્વાલે અને બટલરે પ્રથમ વિકેટ માટે ચાર ઓવરમાં 46 રનની ભાગીદારી નોંધાવીને આક્રમક શરૂઆત કરી હતી. સુકાની સંજૂ સેમસન 12 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. બેટિંગમાં નીચલા ક્રમે મોકલાયેલા પડિક્કલે 32 બોલમાં 31 રન કર્યા હતા. હેતમાયરે તેની આક્રમક સ્ટાઇલમાં 16 બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને બે સિકસર વડે અણનમ 31 રન બનાવીને ટીમને વિજય અપાવી દીધો હતો.
ચહલની આ સિઝનમાં હાઇએસ્ટ વિકેટ
લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ વર્તમાન આઇપીએલમાં 22 વિકેટ ઝડપી ચૂક્યો છે અને તે 20 વિકેટનો આંકડો પાર કરનાર પ્રથમ બોલર બન્યો છે. રાજસ્થાનના આ સ્પિનરે કારકિર્દીમાં ચોથી વખત એક સિઝનમાં 20 પ્લસ વિકેટો ઝડપી છે. આ પહેલા તેણે 2015માં, 2016તથા 2020માં આ સિદ્ધિ મેળવી હતી. ચહલ ઉપરાંત લસિત મલિંગા ચાર અને સુનિલ નરેન ત્રણ વખત આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ચહલે રાજસ્થાનના બોલર શ્રેયસ ગોપાલ (20 વિકેટ, 2019)ના રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો. એક સિઝનમાં રાજસ્થાન તરફથી હાઇએસ્ટ વિકેટ ઝડપનાર બોલર્સમાં શેન વોર્ન (19 વિકેટ, 2008) તથા પ્રવીણ તાંબે (15 વિકેટ, 2014)નો સમાવેશ થાય છે. ચહલ પાસે એક સિઝનમાં હાઇએસ્ટ વિકેટ ઝડપવાનો રેકોર્ડ તોડવાની પણ તક છે. આઇપીએલમાં હર્ષલ પટેલે 2021માં 32 તથા બ્રાવો 2013માં 32 વિકેટ હાંસલ કરી છે.