નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે અંતે લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ પોતાનો લોગો જારી કર્યો છે. અમદાવાદ સ્થિત નવી ફ્રેન્ચાઈઝીએ મેટાવર્સ પર ટાઇટન્સ ડગઆઉટના માધ્યમથી પોતાનો લોગો રિલીઝ કર્યો હતો. ફ્રેન્ચાઈઝીએ ૧૯ ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે ધ ટાઇટન્સ ડગઆઉટ નામના મેટાવર્સમાં એક વર્ચ્યુઅલ સ્પેસ બનાવ્યું છે. જ્યાં ફેન્સ ટીમ સાથે સીધા જ જોડાઈ શકશે. આ પછી બીજા દિવસે ટીમે લોગોનું અનાવરણ કરવાની સાથે વર્ચ્યુઅલ દુનિયામાં એન્ટ્રી કરી હતી.
આ પ્રસંગે ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા, કેપ્ટન હાર્દિક પંડ્યા અને યુવા ક્રિકેટર શુભમન ગીલે એકબીજા સાથે વાત કરતાં કરતાં લોગોનું અનાવરણ કર્યું હતું.
ગુજરાત ટાઇટન્સ ટીમે નહેરાને પોતાનો મુખ્ય કોચ બનાવ્યો છે જ્યારે ટીમ ઇન્ડિયાને ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતાડનારા કોચ ગેરી કસ્ટર્નને ટીમના મેન્ટર બનાવ્યા છે. વિક્રમ સોલંકી ટીમના ડિરેકટર રહેશે. ઉલ્લેખનીય છે કે સીવીસી કેપિટલ્સે રૂ. ૫૬૨૫ કરોડ જેટલી જંગી રકમ ચૂકવીને ફ્રેન્ચાઈઝી ખરીદી છે. બીસીસીઆઈએ આઈપીએલ માટે બે નવી ટીમની જાહેરાત ગત વર્ષે ૨૫ ઓક્ટોબરના રોજ કરી હતી.
અમદાવાદ ટીમને સીવીસી કેપિટલ્સ કંપનીએ ખરીદી છે. લખનઉ ટીમે ગયા મહિને જ પોતાની ટીમના સત્તાવાર નામની જાહેરાત કરી હતી. આ ટીમ લખનઉ જાયન્ટસ નામે ઓળખાશે.