મુંબઈ: આઇપીએલ સિઝન-15માં એન્ટ્રી સાથે જ લાગલગાટ ત્રણ વિજય મેળવનાર ગુજરાત ટાઇટન્સના વિજયરથને હૈદરાબાદ સનરાઇઝર્સે અટકાવ્યો છે. કેપ્ટન કેન વિલિયમ્સની અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે સોમવારે રમાયેલી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. ગુજરાતના સાત વિકેટે 162 રનના જવાબમાં હૈદરાબાદ ટીમે 19.1 ઓવરમાં બે વિકેટે 168 રન બનાવીને વિજય હાંસલ કર્યો હતો. વિલિયમ્સને 46 બોલમાં 57, અભિષેકે 42 તથા નિકોલસ પૂરને અણનમ 34 રન બનાવીને ટીમના વિજયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
હાર્દિકની આઇપીએલમાં 100 સિક્સર
ગુજરાત ટાઇટન્સના સુકાની હાર્દિકે સંકટ સમયે અડધી સદી નોંધાવી ટીમને સહારો આપ્યો હતો. તેણે એક છગ્ગો માર્યો હતો અને આ સાથે તેણે વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. આઇપીએલમાં તે ફાસ્ટેસ્ટ 100 સિક્સર પૂરી કરનાર પ્રથમ ભારતીય બન્યો છે. તેણે 100 સિક્સર માટે કુલ 1045 બોલ રમ્યા છે. આ ઇલિટ ક્લબમાં આન્દ્રે રસેલ ટોચના ક્રમે છે, જેણે માત્ર 657 બોલમાં 100 સિક્સરનો માઇલ સ્ટોન હાંસલ કર્યો છે. ક્રિસ ગેઇલે 943 બોલ તથા કિરોન પોલાર્ડે 1094 બોલમાં 100 સિક્સર પૂરી કરી હતી.
દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર
ઓપનર ડેવિડ વોર્નર અને પૃથ્વી શોની ધમાકેદાર બેટિંગ અને બાદમાં કુલદીપ યાદવની શાનદાર ચાર વિકેટની મદદથી દિલ્હી કેપિટલ્સે આઇપીએલની વર્તમાન સિઝનનો હાઇએસ્ટ સ્કોર નોંધાવવાની સાથે સાથે કોલકાતા નાઇટ રાઇડર્સને 44 રનથી પરાજય આપ્યો હતો. દિલ્હીએ ચાર મેચમાં બીજો વિજય મેળવ્યો છે. જ્યારે કોલકાતાનો પાંચ મેચમાં આ બીજો પરાજય છે. રવિવારે રમાયેલી મેચમાં દિલ્હીએ પાંચ વિકેટે 215 રન કર્યા હતા. જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર કોલકાતાની ટીમ 19.4 ઓવરમાં 171 રન નોંધાવી શકી હતી. 35 રનમાં ચાર વિકેટ ઝડપનાર કુલદીપને મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. કોલકાતાની ઇનિંગમાં મુખ્ય યોગદાન સુકાની શ્રેયસ ઐયરના 54 રનનું રહ્યું હતું.
છેલ્લા બોલે મેચ જીતતું રાજસ્થાન
છેલ્લા બોલ સુધી અત્યંત રોમાંચક બનેલી આઇપીએલની લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને ત્રણ રને પરાજ્ય આપ્યો હતો. રવિવારે રમાયેલી મેચમાં લખનઉની ટીમને છેલ્લી બે ઓવરમાં વિજય માટે 34 રન બનાવાયા હતા. જોકે સ્ટોઇનિસે આક્રમક બેટિંગ કરી હોવા છતાં તે ટાર્ગેટ હાંસલ કરી શક્યું નહોતું. હેતમાયરના અણનમ 59 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે છ વિકેટે 165 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર લખનઉની ટીમ આમ વિકેટે 162 રન કરી શકી હતી. રનચેઝ કરનાર લખનઉની ટીમ માટે સ્ટોઇનિસે 17 બોલમાં ચાર સિક્સર અને બે બાઉન્ડ્રી વડે અણનમ 38 તથા ઓપનર ડીકોકે 39 રન નોંધાવ્યા હતા.
મુંબઈનો સતત ચોથો પરાજય
બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ ઓપનર અનુજ રાવતે નોંધાવેલી અડધી સદીથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગયા શનવારે રમાયેલી લીગ મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને સાત વિકેટ પરાજય આપ્યો હતો. મુંબઈના છ વિકેટે 151 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરનાર બેંગ્લોરની ટીમે 18.3 ઓવરમાં ત્રણ વિકેટે 152 રન કરીને વિજય મેળવ્યો હતો. રનચેઝ કરનાર બેંગ્લોરની ટીમ માટે સુકાની ફાફડુ પ્લેસીસે (16) અનુજ સાથે પ્રથમ વિકેટે 50 રનની ભાગીદારી નોંધાવી હતી. અગાઉ મુંબઈ ટીમે 79 રનમાં છ વિકેટ ગુમાવ્યા બાદ સૂર્યકુમારે 37 બોલમાં અણનમ 68 રન બનાવીને બાજી સંભાળી હતી. રોહિત શર્મા તથા ઈશાન કિશને 26-26 રનનું યોગદાન આપ્યું હતું.
બે બોલમાં બે સિક્સર સાથે વિજય
રાહુલ તેવટિયાએ છેલ્લા બે બોલમાં બે છગ્ગા ફટકારનાર ગુજરાત ટાઈટન્સે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં આઠમી એપ્રિલે રમાયેલી લીગ મેચમાં ભારે રસાકસી બાદ પંજાબ કિંગ્સને છ વિકેટે પરાજય આપ્યો હતો. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. લિયામ લિવિંગ્સ્ટોને 27 બોલમાં 64 રન ફટકારતા પંજાબની ટીમે નવ વિકેટે 189 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમે છેલ્લા બોલે ચાર વકેટના ભોગે 190 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. ગુજરાતને છેલ્લા છ બોલમાં ૧૯ રનની જરૂર હતી. હાર્દિક પ્રથમ બોલે રનઆઉટ થયો હતો. ત્યારબાદ મિલરે ત્રીજા બોલે બાઉન્ડ્રી ફટકારી હતી. છેલ્લા બે બોલમાં ગુજરાતને 12 રનની જરૂર હતી ત્યારે તેવટિયાએ સતત બે સિક્સર ફટકારીને ટીમને રોમાંચક વિજય અપાવી દીધો હતો. શુભમન ગિલ ચાર રન માટે સદી ચૂક્યો હતો.
ધવનની 1000 બાઉન્ડ્રી
ગુજરાત ટાઈટન્સ સામે આઠમી એપ્રિલે રમાયેલી મેચમાં 30 બોલમાં 35 રનની ઇનિંગ દરમિયાન શિખર ધવને ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. આ સાથે તેણે ટી20 ક્રિકેટમાં એક હજાર બાઉન્ડરી ફટકારવાની કરવાની સિદ્ધિ મેળવી હતી. અત્યારે પંજાબ કિંગ્સ તરફથી રમતા ધવને 2007માં દિલ્હી માટે પ્રથમ ટી20 રમી હતી. તેની આ 307મી ટી20 મેચ હતી. ટી20માં હાઇએસ્ટ બાઉન્ડ્રીના મામલે ધવન પ્રથમ ભારતીય છે. વિરાટ કોહલી 917 બાઉન્ડ્રી સાથે બીજા તથા રોહિત શર્મા 875 બાઉન્ડ્રી સાથે ત્રીજા ક્રમે છે. ઓલઓવર ટી20 ક્રિકેટમાં ધવન પાંચમા ક્રમે છે. આ ઇલિટ કલબમાં વિન્ડીઝનો ક્રિસ ગેઇલ 1132 બાઉન્ડ્રી સાથે પ્રથમ સ્થાને છે. ઇંગ્લેન્ડના એલેક્સ હાલેસના નામે 1054 બાઉન્ડ્રી નોંધાયેલી છે.
લખનઉનો સતત ત્રીજો વિજય
બોલરોના અસરકારક દેખાવ બાદ ડી કોકના 52 બોલમાં 80 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ જીતી લીધી હતી. લખનઉનો આ સતત ત્રીજો વિજય હતો. જ્યારે દિલ્હીની ટીમને ત્રીજી મેચમાં બીજી હારનો સામનો કરવો પડયો હતો. સાતમી એપ્રિલે રમાયેલી આ મેચ જીતવા માટેના ૧૫૦ના ટાર્ગેટને લખનઉએ ૧૯.૪ ઓવરમાં ચાર વિકેટે હાંસલ કરી લીધો હતો. લખનઉને જીતવા માટે આખરી ઓવરમાં પાંચ રનની જરૂર હતી, ત્યારે શાર્દૂલે પહેલા જ બોલે હૂડાને આઉટ કર્યો હતો. જોકે બાડોની (૩ બોલમાં ૧૦ રન)એ એક ડોટ બોલ બાદ ચોગ્ગો ફટકારતાં સ્કોર બરોબરી પર આવી ગયો હતો. જે પછી તેણે વિજયી સિક્સર ફટકારી હતી. કૃણાલ ૧૪ બોલમાં ૧૯ રને નોટઆઉટ હતો.