ગુજરાત ટાઈટન્સઃ માલિકીના વિવાદથી ચેમ્પિયન બનવા સુધીની રોમાંચક સફર

Wednesday 01st June 2022 05:04 EDT
 
 

અમદાવાદઃ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમે આઈપીએલની પહેલી જ સિઝનને યાદગાર બનાવતા ચેમ્પિયનનો તાજ જીતી લીધો છે. આ વર્ષે જ આઈપીએલમાં પ્રવેશ મેળવનારી ગુજરાત ટાઇટન્સની સફર રોમાંચક બની રહી હતી. આપ સહુને યાદ હશે જ કે આઈપીએલમાં એન્ટ્રી સાથે જ તેની માલિકી અંગે વિવાદ સર્જાયો હતો. આ પછી હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને આઈપીએલના પ્રારંભે સામાન્ય માનવામાં આવતી હતી. જોકે, ટાઈટન્સે મેદાન પર જબરજસ્ત પર્ફોમન્સ આપતાં ચેમ્પિયનશિપ જીતીને આગવો ઈતિહાસ રચી દીધો છે.
કોચ-કેપ્ટનની સમાન વિચારસરણી
હાર્દિકે મેચ પછી કહ્યું હતું કે મારી અને કોચ આશુ પા (આશિષ નહેરા)ની વિચારવાની દ્રષ્ટિ લગભગ એકસરખી છે. ટીમમાં એક્સપર્ટ બોલર હોવા જોઈએ કે જે ટીમને જીતાડી શકે. ટી-20 ભલે બેટ્સમેનની ગેમ તરીકે ઓળખાતી હશે, પણ તે જીતાડવાની જવાબદારી તો બોલરના શિરે જ હોય છે. ટીમના દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને જીતનો શ્રેય જાય છે.
ગુજરાત ટાઈટન્સની માલિકી અંગે વિવાદ
આઈપીએલમાં ચાલુ વર્ષે બે નવી ટીમોએ પ્રવેશ મેળવ્યો હતો. અમદાવાદની ટીમ બ્રિટનની પ્રાઈવેટ ઈક્વિટી અને એડવાઈઝરી ફર્મ સીવીસી કેપિટલ્સ પાર્ટનર્સે રૂપિયા 5,625 કરોડમાં ખરીદી હતી. જ્યારે સંજીવ ગોયેન્કાના જૂથે રૂ. 7090 કરોડમાં લખનઉ ફ્રેન્ચાઈઝી મેળવી હતી. ગુજરાત ટીમની ફ્રેન્ચાઇઝી લેનાર કંપની સટ્ટાના બિઝનેસ સાથે સંકળાયેલી હોવાનો આક્ષેપ આઈપીએલના સસ્પેન્ડેડ કમિશનર લલિત મોદીએ કરતાં સનસનાટી મચી ગઈ હતી. જોકે, બીસીસીઆઈએ આ અંગે તપાસ સમિતિના રિપોર્ટના આધારે તેને ક્લિનચીટ આપી હતી.
ગુજરાત ટાઇટન્સની માલિક કંપનીનું યુરોપીયન ફંડ સટ્ટાના બિઝનેસ સાથે સંકળાયેલું હતું, જ્યારે સીવીસીએ અમદાવાદની ફ્રેન્ચાઈઝી માટે એશિયન ફંડમાંથી દાવેદારી નોંધાવી હતી, જે ભારતીય કાયદા મુજબ કોઈ ગેરકાયદે બિઝનેસમાં ન હોવાથી તેને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ કે.એસ. રાધાક્રિશ્નનના રિપોર્ટમાં ક્લિનચિટ આપવામાં આવી હતી.
નેહરા-કર્સ્ટન-સોલંકીની થિંક ટેન્ક
અમદાવાદની ફ્રેન્ચાઈઝીને ગુજરાત ટાઈટન્સ નામ અપાયું હતું અને ટીમના કોચ તરીકે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટર આશિષ નહેરાને પસંદ કરાયો હતો. જ્યારે ટીમના બેટિંગ કોચ અને મેન્ટર તરીકે ગેરી કર્સ્ટને જવાબદારી સંભાળી હતી. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર કર્સ્ટનના માર્ગદર્શનમાં ભારતે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો. તેમણે ટેસ્ટમાં પણ ભારતને ટોચ પર પહોંચાડ્યું હતું. જ્યારે ટીમના ડાયરેક્ટર તરીકે ભારતીય મૂળનો ભૂતપૂર્વ ઈંગ્લિશ ક્રિકેટ વિક્રમ સોલંકી હતો. ટીમના સ્પિન બોલિંગ કોચ અને સ્કાઉટ તરીકે આશિષ કપૂરે જવાબદારી સંભાળી હતી.

મેનેજમેન્ટને પૂરો ભરોસોઃ ટીમ મિટિંગ માત્ર આઠ મિનિટની

ડેબ્યૂ સિઝનમાં જ આઈપીએલનું ટાઈટલ જીતનાર ગુજરાત ટાઈટન્સની ટીમ તરફથી પૂરી ટૂર્નામેન્ટમાં પાંચ એવા ખેલાડી છે જેઓ તમામ 16 મેચ રમ્યા છે. કેપ્ટન હાર્દિક પણ ઈજાને કારણે એક મેચ રમી શક્યો નહતો. ટીમે પૂરી લીગમાં કુલ 18 ખેલાડીઓને પ્લેઈંગ ઇલેવનમાં તક આપી હતી. ગુજરાત તરફથી ડેવિડ મિલર, શુભમન ગિલ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન અને મોહમ્મદ શમી તમામ 16 મેચ રમ્યા છે. પાંચ એવા પણ ખેલાડી છે જેઓને એક પણ મેચમાં રમવાની તક મળી નહતી. શુભમન ગિલે જણાવ્યું હતું કે અમારી એક પણ ટીમ મિટિંગ આઠ મિનિટથી વધારે ચાલી નહોતી. ટીમ મેનેજમેન્ટને ખેલાડીઓ ઉપર વિશ્વાસ હતો અને તમામ ખેલાડીઓ પોતાની ભૂમિકા સારી રીતે જાણતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter