મુંબઇઃ આઇપીએલની સિઝન-નાઇનમાં પ્રવેશ સાથે જ ગુજરાત લાયન્સની ટીમ છવાઇ ગઇ છે. ગુજરાત લાયન્સે ૨૯ એપ્રિલે પૂણે સુપર જાયન્ટ્સને હરાવી વિજયની સિક્સર ફટકારી છે. ડ્વેન સ્મિથ અને મેક્કુલમની આક્રમક ઇનિંગ બાદ દિનેશ કાર્તિક અને રૈનાની ધૈર્યભરી ઇનિંગની મદદથી ગુજરાત લાયન્સે પૂણે સુપર જાયન્ટ્સ સામે છેલ્લા બોલે ત્રણ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. આ સાથે ગુજરાત લાયન્સે સાત મેચમાં છ વિજયના ૧૨ પોઈન્ટ મેળવી પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
૧૯૬ રનના અઘરા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત લાયન્સે મેક્કુલમ અને સ્મિથની આક્રમક ઇનિંગની મદદથી પ્રથમ છ ઓવરમાં જ ૭૨ રન ઝૂડી કાઢયા હતા અને નવમી ઓવરના અંતે લાયન્સે એક વિકેટના ભોગે ૧૦૦ રન પૂરા કર્યા હતા. આ દરમિયાન મેક્કુલમ ૨૨ બોલમાં ૪ બાઉન્ડરી અને બે સિક્સરની મદદથી ૪૩ રન બનાવી રજત ભાટિયાનો શિકાર બન્યો હતો. બીજા જ બોલે સ્મિથે બાઉન્ડરી ફટકારીને પોતાની અર્ધસદી પૂરી કરી હતી.
સ્મિથ અને રૈના વચ્ચે બીજી વિકેટ માટે ઝડપી ભાગીદારી ચાલતી હતી ત્યારે થિસારા પરેરાએ સ્મિથને બોલ્ડ કરીને યોગ્ય સમયે પૂણેને બ્રેક-થ્રુ અપાવ્યો હતો. આ પહેલા ટોસ જીતીને ગુજરાત લાયન્સે પૂણેને પ્રથમ બેટિંગ કરવા બોલાવતા સ્મિથની આક્રમક સદી અને રહાણેની અર્ધી સદીની મદદથી પૂણેએ ત્રણ વિકેટના ભોગે ૧૯૫ રન બનાવ્યા હતા.