રાજકોટઃ ટીમના સ્પિનરોની શિસ્તબદ્ધ બોલિંગ બાદ ઓપનર એરોન ફિન્ચ (૫૦) અને બ્રેન્ડન્ મેક્કુલમ (૪૯)ની શાનદાર આક્રમક બેટિંગની મદદથી ગુજરાત લાયન્સે આઇપીએલ-સિઝન નાઇનની લીગ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની પૂણે સુપર જાયન્ટસને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ગુજરાત લાયન્સનો આ સતત બીજો વિજય છે. આ પહેલાં તેણે મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબને પાંચ વિકેટે હરાવીને આઇપીએલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ફિન્ચ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
ગુરુવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાનમાં રમાયેલી આ મેચમાં પૂણેની ટીમે પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટ ગુમાવીને ૧૬૩ રન કર્યા હતા. જવાબમાં યજમાન ટીમે ૧૮ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૧૬૪ રન બનાવીને મેચ જીતી લીધી હતી. લાયન્સનો આ બીજો વિજય છે. જ્યારે પૂણેનો પહેલો પરાજય છે. પહેલી મેચમાં તેણે ગત ચેમ્પિયન મુંબઈને તેના ઘરઆંગણે રમાયેલી ટૂર્નામેન્ટની પહેલી મેચમાં પરાજય આપ્યો હતો.
બેટિંગ માટે આસાન જણાતી પિચ પર પૂણે માટે ઓપનર રહાણે તથા ડુપ્લેસિસે પ્રથમ વિકેટ માટે ૨૭ રનની ભાગીદારી નોંધાવીને સંગીન શરૂઆત કરી હતી. તેના આઉટ થયા બાદ કેવિન પીટરસન તથા ડુપ્લેસિસે ઇનિંગ્સને આગળ વધારીને બીજી વિકેટ માટે ૮૬ રન ઉમેર્યા હતા. પીટરસન ૩૧ બોલમાં બે બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે ૩૭ રન બનાવીને બ્રાવોની બોલિંગમાં આઉટ હતો. ૧૯ રન ઉમેર્યા બાદ ડુપ્લેસિસ પ્રવીણ તામ્બેનો બીજો શિકાર બન્યો હતો. તેણે ૪૩ બોલમાં પાંચ બાઉન્ડ્રી તથા ચાર સિક્સર વડે ૬૯ રન કર્યા હતા.
ડુપ્લેસિસના આઉટ થયા બાદ પૂણેએ નવ રનના ગાળામાં સ્ટિવ સ્મિથ (૫) તથા મિચેલ માર્શ (૭)ની વિકેટ ગુમાવી દેતાં સ્કોર પાંચ વિકેટે ૧૪૩ રનનો થઈ ગયો હતો. ધોનીએ ૨૨ રન બનાવ્યા હતા. ગુજરાત લાયન્સ માટે સ્થાનિક ખેલાડી રવીન્દ્ર જાડેજાએ ૧૮ રનમાં બે તથા લેગ સ્પિનર પ્રવીણ તામ્બેએ ૩૩ રનમાં બે વિકેટ ખેરવી હતી.