નવી દિલ્હીઃ ઓલરાઉન્ડર મોરિસે રમેલી મેન ઓફ ધ મેચ ઇનિંગ્સના કારણે રોમાંચક બનેલી આઇપીએલ-૯ની મેચમાં ગુજરાત લાયન્સે એક રને દિલ્હી ડેરડેવિલ્સને હરાવ્યું છે. ગુરુવારે રાજધાનીમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં છ વિકેટના ભોગે ૧૭૨ રન કર્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરનારી દિલ્હી ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૧ રન કર્યા હતા.
દિલ્હી માટે ક્રિસ મોરિસે ૩૨ બોલમાં ચાર બાઉન્ડ્રી અને આઠ સિક્સર વડે ઝંઝાવાતી અણનમ ૮૨ રન ફટકાર્યા હતા. જોકે તે ટીમને વિજય અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. એક તબક્કે દિલ્હીની ટીમે ૧૬ રનમાં જ પ્રથમ ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી. ડ્યુમિનીએ એક છેડો સાચવી રાખીને ટીમને સ્થિરતા અપાવી હતી. ડ્યુમિનીએ ૪૩ બોલમાં ૪૮ રન કર્યા હતા. એક તબક્કે ગુજરાત લાયન્સ આસાનીથી મેચ જીતી જશે તેમ લાગતું હતું, પરંતુ ક્રિસ મોરિસે સમગ્ર મેચનું પાસું પલ્ટી નાખ્યું હતું. તેણે તામ્બેની એક જ ઓવરમાં ત્રણ સિકસર ફટકારી હતી. આ ઉપરાંત ડ્વેન સ્મિથની ઓવરમાં ૨૧ રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી. મોરિસે ફક્ત ૧૭ બોલમાં જ અડધી સદી નોંધાવી હતી. આઇપીએલ - સિઝન ૯માં તેને સૌથી ઝડપી અડધી સદી નોંધાવવાના ડેવિડ વોર્નરના રેકોર્ડને તોડ્યો હતો. વોર્નરે બેંગલોર સામે ૨૧ બોલમાં અડધી સદી પૂરી કરી હતી.
અગાઉ ગુજરાત માટે બ્રેન્ડન મેક્કુલમ તથા ડ્વેન સ્મિથે ટીમને સ્ફોટક શરૂઆત કરી હતી. બન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૧૦.૪ ઓવરમાં જ ૧૧૨ રનની ભાગીદારી થઈ હતી. સ્મિથ ૫૩ રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ મેક્કુલમ પણ ૧૧૬ રનના કુલ જુમલે ૬૦ રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો.