મુંબઈઃ વેસ્ટ ઇન્ડીઝે સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલની ધમાકેદાર અણનમ સદીની મદદથી આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપના ગ્રૂપ-૧માં ઇંગ્લેન્ડને છ વિકેટે હરાવ્યું હતું. ૧૬ માર્ચે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે છ વિકેટે ૧૮૨ રન કર્યા હતા, જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર વિન્ડીઝે ૧૮.૧ ઓવરમાં ચાર વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગેઇલે ૪૮ બોલમાં પાંચ બાઉન્ડ્રી તથા ૧૧ સિક્સર વડે અણનમ ૧૦૦ રન ફટકાર્યા હતા. રામદીને ૨૭ બોલમાં ૩૭ રન બનાવ્યા હતા.
અગાઉ ઇંગ્લેન્ડ માટે જેસન રોય (૧૫) તથા એલેક્સ હાલેસે પ્રથમ વિકેટ માટે ૩૭ રનની ભાગીદારી નોંધાવીને સારી શરૂઆત કરી હતી. આ પછી હાલેસ તથા રુટે બીજી વિકેટ માટે ૫૫ રન ઉમેર્યા હતા. સુલેમાન બેનનો શિકાર બનનાર હાલેસે ૨૬ બોલમાં ૨૮ રનનું યોગદાન આપ્યું હતું. આઉટ થતા પહેલાં રુટે ૩૬ બોલમાં ત્રણ બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૪૮ રન બનાવ્યા હતા. આ સમયે ઇંગ્લેન્ડે ૧૧૪ રનના સ્કોરે ત્રીજી વિકેટ ગુમાવી હતી. બટલર ૨૦ બોલમાં ત્રણ સિક્સર વડે ૩૦ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.