લંડનઃ યુએસ ઓપન ગ્રાન્ડ-સ્લેમમાં ચેમ્પિયન બનેલી વિશ્વની બીજી યંગેસ્ટ ટેનિસ પ્લેયર બ્રિટનની એમ્મા રાડૂકાનુને બીબીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ જાહેર થયો છે. ૧૯ વર્ષીય રાડૂકાનુ ગ્રાન્ડ-સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતનાર પ્રથમ ક્વોલિફાયર બની હતી, જેણે ન્યૂ યોર્કમાં એક પણ સેટ ગુમાવ્યા વિના ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. ૧૯૭૭માં વર્જિનિયા વેડ બાદ ગ્રાન્ડસ્લેમ જીતનાર તે પ્રથમ બ્રિટિશ મહિલા ખેલાડી પણ બની હતી. તેણે એવોર્ડની રેસમાં સ્વિમિંગ ડાઇવર ટોમ ડાલે તથા સ્વિમર એડમ પેટીને પાછળ રાખી દીધા હતા. ગેરેથ સાઉથ ગેટને વર્ષના બેસ્ટ કોચ તરીકે પસંદ કરાયા છે. ઉલ્લેખનીય છે કે તેમના માર્ગદર્શનમાં ઇંગ્લેન્ડની નેશનલ ફૂટબોલ ટીમ યૂરો ચેમ્પિયનશિપ ફાઇનલ સુધી પહોંચી હતી. ઇંગ્લેન્ડની ટીમ ૫૫ વર્ષના લાંબા ગાળા બાદ મોટી ટૂર્નામેન્ટમાં ફાઇનલ સુધી પહોંચી હતી. ચાર વખતની ઓલિમ્પિક જિમ્નાસ્ટ ચેમ્પિયન સિમોન બેલિસને લાઇફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અપાશે.