કોલકાતાઃ ગ્રેગ ચેપલની ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે નિમણૂક કરાવવી તે મારી કારકિર્દીની સૌથી મોટી ભૂલ હતી તેવો ખુલાસો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કર્યો છે. સૌરવ ગાંગુલીની આત્મકથા ‘સેન્ચ્યુરી ઇઝ નોટ ઇનફ’ આગામી દિવસોમાં પ્રકટ થવાની છે. જેમાં સૌરવ ગાંગુલીએ પોતાના અંગત જીવન તેમજ કારકિર્દી અંગે કેટલીક જાણી-અજાણી વાતો રજૂ કરી છે.
ગ્રેગ ચેપલની કોચ તરીકે નિમણૂક તે સૌરવ ગાંગુલીની કારકિર્દી માટે નિર્ણાયક બની રહી હતી કેમ કે, ચેપલના કોચ બનતા જ ગાંગુલીની પડતીનો દોર શરૂ થયો હતો. આ અંગે ગાંગુલીએ જણાવ્યું છે કે, 'ગ્રેગ ચેપલની કોચ તરીકે નિમણૂક કરાવવી તે મારી કારકિર્દીની સૌથી મોટી ભૂલ હતી. અમે ૨૦૦૨-૦૩માં ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયા ત્યારે જે બેટિંગ કોચની મદદ લીધી હતી તે અને ભારતીય ટીમના કોચ બનેલા ગ્રેગ ચેપલમાં ખૂબ જ મોટું અંતર હતું. અમારા સંબંધમાં કયા કારણથી વિખવાદ પેદા થયો તે અંગે હું જાણતો નથી.’
તેણે વધુમાં કહ્યું હતું કે ૨૦૦૭ના વર્લ્ડ કપ બાદ મેં તેની સાથે ક્યારેય વાત પણ કરી નથી. ચેપલ વખતે મને જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડયું તેવો કોઇને પણ સામનો કરવો પડે નહીં. તમને ટીમમાંથી પડતા મૂકી શકાય છે પરંતુ અંગત કારણથી ટીમથી બહાર કરવામાં તે યોગ્ય નથી. દરેક એથ્લીટને તેના મેદાન પરના પ્રદર્શનને આધારે મૂલવવો જોઇએ. એ સમયના ભારતીય ટીમના કોઇ પણ પ્લેયર પાસેથી ગ્રેગ ચેપલ અંગે સારો અભિપ્રાય સાંભળવા નહીં મળે. સચિન તેંડુલકરને પણ તમે ક્યારેય ગ્રેગ ચેપલ વિશે સારું કહેતા નહીં સાંભળ્યો હોય. ભવિષ્યમાં તમને અનેક પુસ્તકો જોવા મળશે જેમાં ચેપલ અંગે મારા જેવા જ અભિપ્રાય હશે.’