ટોક્યોઃ ઓલિમ્પિક ગેમ્સમાં સોમવારે ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. ૪૧ વર્ષમાં માત્ર ત્રીજી વખત ઓલિમ્પિક્સ રમી રહેલી મહિલા ટીમે ત્રણ વખતની ઓલિમ્પિકસ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને ૧-૦થી પછાડી સેમિફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું છે. ભારતીય મહિલા હોકી ટીમનો આ વિજય યાદગાર બની ગયો છે. કોઈએ કદી વિચાર્યું પણ નહોતું કે આ દિવસ પણ આવશે. મહિલા હોકીનો ૧૯૮૦માં ઓલિમ્પિક્સમાં સમાવેશ થયો તે વેળા ભારતીય ટીમ ચોથા ક્રમે રહી હતી. આ પછી ૨૦૧૬ સુધી ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ પણ ન થઇ. ૨૦૧૬માં તે ૧૨મા ક્રમે રહી. અને હવે તે પહેલી વાર સેમિફાઇનલમાં પહોંચી છે.
ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારત માટે એક માત્ર ગોલ ગુરજિત કૌરે ૨૨મી મિનિટમાં કર્યો હતો. તેણે પેનલ્ટી કોર્નરને શાનદાર ડ્રેગ ફ્લિકથી ગોલમાં પરિવર્તિત કર્યો તે સાથે જ જાણે ભારતનો વિજયસ્થંભ રોપાઇ ગયો.
હોકીવિશ્વનો મેજર અપસેટ સર્જતા ભારતે ઓસ્ટ્રેલિયાને ૧-૦ ગોલથી હરાવ્યું હતું. ભારતને મેચમાં એક જ પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જે તેણે ગોલમાં પરિવર્તિત કર્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાના આઠ પેનલ્ટી કોર્નરને ભારતે નિષ્ફળ બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયા ૧૯૮૮, ૧૯૯૬ અને ૨૦૦૦માં એમ ત્રણ વખત ઓલિમ્પિક ચેમ્પિયન બની ચૂક્યું છે. જ્યારે ૧૯૯૪ અને ૧૯૯૮માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ ઉપરાંત ચાર વખત કોમનવેલ્થ ગેમ્સમાં ચેમ્પિયન બની ચૂક્યું છે.
નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ગ્રેટ બ્રિટન મહિલા હોકીમાં પાવરહાઉસ મનાય છે. ભારતે ગ્રેટ બ્રિટનને ૩-૧થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો. જ્યારે ક્વાર્ટર ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હોઈ ભારત સેમિફાઈનલમાં આર્જેન્ટિના સામે બુલંદ જુસ્સા સાથે ઉતરશે. ભારત વિશ્વમાં નવમું ક્રમાંકિત છે જ્યારે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ નંબર બે છે.
શાનદાર પુનરાગમન
કેપ્ટન રાની રામપાલના નેતૃત્વમાં મેદાનમાં ઉતરેલી ભારતીય મહિલા હોકી ટીમે દેખાડી દીધું કે કોચ શોર્ડ મોરિનની તાલીમ એકદમ યોગ્ચ દિશામાં છે. શોર્ડ મોરિન એ જ કોચ છે જેમણે ગ્રૂપ મેચમાં નેધરલેન્ડ સામે ૧-૫થી કારમા પરાજય પછી આખી ભારતીય ટીમને બરાબર ખખડાવી નાખી હતી.
જોકે, એ પછી પણ ભારતની ટીમ જર્મની સામે ૦-૨થી અને ફરીથી બ્રિટન સામે ૧-૪થી હારી ગઈ હતી. આ સમયે સહુ કોઇને લાગી રહ્યું હતું કે બસ હવે પૂરું. ભારતની મહિલા હોકી ટીમનું ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ માટેનું અભિયાન હવે પતી ગયું છે. જોકે, એ પછી ટીમે આગળની મેચમાં આયરલેન્ડને ૧-૦થી હરાવ્યું અને લોકોના જીવમાં જીવ આવ્યો. એ પછીની મેચમાં ભારતીય મહિલા ખેલાડીઓએ યજમાન જાપાનની ટીમને ૪-૩થી હરાવી દીધી. એ રોમાંચક મેચમાં વંદના કટારિયાએ તો ત્રણ ગોલની હેટ્રિક કરીને નવો ઇતિહાસ રચ્યો. ઓલિમ્પિકમાં ગોલની હેટ્રિક નોંધાવનારી વંદના પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.
કહીં ખુશી, કહીં ગમ
ભારતીય મહિલા હોકી ટીમની જીત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમનાં ખેલાડીઓ મેદાન પર ઢળી પડ્યાં અને સમગ્ર વિશ્વએ તેમને રડતાં જોયાં પણ ભારતીય મહિલા ખેલાડી જોશ સાથે એકબીજાને ભેટીને જીતને વધાવી રહ્યાં હતાં.
ટેલિવિઝન પર આ મહામુકાબલાની મેચને નિહાળી રહેલા ખેલપ્રેમીઓની આંખો પણ અંતિમ પરિણામ બાદ ભીની થઈ ગઈ. ભાગ્યે જ કોઈએ ભારતીય મહિલા હૉકી ટીમ પાસેથી આવા શાનદાર પર્ફોર્મન્સની આશા રાખી હશે.
ફિલ્મ થકી જુસ્સાનો સંચાર
ભારતીય વિમેન્સ ટીમના ચીફ કોચ શોર્ડ મોરિને ઘટસ્ફોટ કર્યો હતો કે સતત ત્રણ પરાજયના કારણે ટીમનું મનોબળ તૂટી ગયું હતું પરંતુ ખેલાડીઓએ આત્મવિશ્વાસ મજબૂત કરે તેવી ફિલ્મ નિહાળી હતી જેના કારણે પૂરી ટીમમાં નવા જોશનો સંચાર થયો હતો અને પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિ-ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચવામાં સફળ રહી હતી.
શોર્ડ મોરિને જણાવ્યું હતું કે આયર્લેન્ડ સામેની કરો યા મરોની મેચ પહેલાં પૂરી ટીમે એક ફિલ્મ નિહાળી હતી જેનાથી ટીમને માનસિક રીતે વધારે દૃઢ થવામાં મદદ મળી હતી. જોકે તેમણે આ ફિલ્મના નામનો ખુલાસો કર્યો નહોતો અને કેપ્ટન રાની રામપાલે પણ આ બાબતને સમર્થન આપ્યું હતું. માનવામાં આવે છે કે ભારતીય ટીમે ‘ચક દે ઇન્ડિયા’ ફિલ્મ નિહાળી હતી.
ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ૧-૦થી વિજય મેળવ્યા બાદ સોર્ડ મારિને જણાવ્યું હતું કે પોતાના ઉપર અને પોતે સજાવેલા સ્વપ્નો ઉપર વિશ્વાસ કરવાના કારણે પ્રદર્શનમાં ફરક પડયો છે. જો તમે હારો છો તો પણ તમે પોતાની ઉપર વિશ્વાસ કરવાનું છોડતા નથી અને આ બાબત મેં ખેલાડીઓને કહી હતી. મેં તેમને એક ફિલ્મ બતાવી હતી અને આ ફિલ્મ વર્તમાન સમયને જીવવા સાથે સંકળાયેલી હતી.
ગોલકીપર સવિતાનું યોગદાન
ભારતની ગુરજિત કોરે ૨૨મી મિનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કર્યો હતો જે મેચમાં નોંધાયેલ એકમાત્ર ગોલ હતો. ઓસ્ટ્રેલિયા આ ઓલિમ્પિકમાં એક પણ મેચ હાર્યા વગર ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યું હતું જ્યારે ભારતની ટીમે ગ્રૂપની સળંગ ત્રણ મેચમાં પરાજય પછી કમબેક કર્યું હતું.
ભારતની જીતમાં ગોલકિપર સવિતાનું મહત્તમ યોગદાન કહી શકાય. મેચના પ્રથમ ક્વાર્ટરમાં જ ઓસ્ટ્રેલિયાના ગોલને અટકાવવા તેણે મેલોનના પાવર શોટને ગોલપોસ્ટમાં જવા નહોતો દીધો. ભારતની ઝડપી અને આક્રમક ગતિની રમત ઓસ્ટ્રેલિયા માટે કલ્પના બહારની હતી તેથી તેઓ હતાશ થઈ રક્ષણાત્મક શૈલીમાં આવી ગયા હતા.
ભારતે નવમી મિનિટમાં જ રાનીના સ્ટ્રોકથી ગોલની તક ઊભી કરી હતી, જે ઓસ્ટ્રેલિયાએ ખાળી હતી. ભારતની મહિલા હોકી ટીમ ૧૯૮૦ની ઓલિમ્પિકમાં પ્રથમ વખત ક્વોલિફાય થઈ હતી. તે પછી સીધી ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ હતી. જેમાં તેઓ છેલ્લા ક્રમે રહ્યા હતા. આમ ભારતની જોરદાર હરણફાળ કહી શકાય.
ઓસ્ટ્રેલિયા રમતના આખરી તબક્કામાં ગોલ કરવા માટે મરણિયુ બન્યું હતું અને તેઓને ઉપરાછાપરી ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા હતા ત્યારે ગોલકિપર સવિતાએ અભેદ્ય દિવાલ જેવી ભૂમિકા ભજવી હતી.