ચરોતરનો અક્ષર ચમક્યો

Wednesday 17th February 2021 02:29 EST
 
 

ચેન્નઇઃ ચરોતર પ્રદેશના વતની અક્ષર પટેલે તેની કારકિર્દીની પહેલી જ ટેસ્ટમાં ઝમકદાર દેખાવ કરતાં એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપીને ટીમ ઇંડિયાના વિજયમાં નિર્ણાયક યોગદાન આપ્યું છે. પ્રવાસી ઈંગ્લેન્ડ સામેની બીજી મેચમાં ટેસ્ટ કેપ મેળવનાર અક્ષરે પહેલી ઇનિંગમાં બે વિકેટ ઝડપી હતી, પરંતુ બીજી ઇનિંગમાં તેણે ઈંગ્લેન્ડનો પરાજય પાક્કો કર્યો હતો. તેણે ૬૦ રન આપીને પાંચ મહત્ત્વની વિકેટ ઝડપી હતી. પહેલી જ ટેસ્ટમાં કુલ સાત વિકેટ ઝડપવાની સિદ્ધિથી અક્ષરના વતન આણંદ-નડિયાદમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.
બીજી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને ૩૧૭ રને હરાવીને શાનદાર વિજય મેળવ્યો હતો. ટીમ ઇંડિયાએ પ્રથમ ઇનિંગમાં ૧૦ વિકેટે ૩૨૯ રન કર્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડનો દાવ ૧૩૪ રનમાં જ સમેટાઇ ગઇ હતી. આ પછી ભારતે બીજી ઇનિંગમાં ૨૮૬ રન કર્યા હતા. આમ ઇંગ્લેન્ડને મેચ જીતવા માટે ૪૮૧ રનનું લક્ષ્ય મળ્યું હતું. જોકે ઇંગ્લેન્ડનો બીજો દાવ ૧૬૪ રનમાં પૂરો થઇ ગયો હતો. ઈંગ્લેન્ડના આ ધબડકામાં અક્ષરની પાંચ વિકેટનું મહત્ત્વનું યોગદાન હતું.
ડોમેસ્ટિક ક્રિકેટમાં હાલ ગુજરાતની ટીમનું નેતૃત્વ કરતો અક્ષર પટેલ આમ તો પહેલી ટેસ્ટમાં જ મેદાનમાં ઉતરવાનો હતો, પરંતુ ઇજાના કારણે તે રમી શક્યો નહોતો. બીજી ટેસ્ટના પ્રારંભ પૂર્વે કેપ્ટન વિરાટ કોહલીએ તેને ટેસ્ટ કેપ આપી હતી જ્યારે કોચ રવિ શાસ્ત્રીએ તેને ભેટીને શુભેચ્છા આપી હતી.
ઉલ્લેખનીય છે કે ઓલરાઉન્ડર અક્ષર પટેલની કારકિર્દી પણ અનેક ભારતીય યુવા ક્રિકેટરોની માફક ઇન્ડિયન પ્રીમિયર લીગ બાદ ચમકી હતી. વર્ષ ૨૦૧૩માં આઈપીએલ થકી તેને વધુ એક તક મળી. મુંબઈ ઇન્ડિયન્સ સાથે તેનો કોન્ટ્રેક્ટ થયો હતો પણ તે આખી સિરીઝ દરમિયાન બેન્ચ પર જ બેસી રહેવું પડ્યું હતું. જોકે આ પછી ૨૦૧૪માં અક્ષરનો સિતારો ચમક્યોહતો. આઇપીએલ ૨૦૧૪માં તેણે કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમતાં ૧૬ વિકેટ લીધી હતી. આ જ વર્ષે તેને ૨૦૧૨-૧૩ માટે બીસીસીઆઈ અંડર-૧૯નો ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો.
અક્ષરે ૩૮ વન-ડેમાં ૪૫ વિકેટ ઝડપી છે, જ્યારે ૧૧ ટી-૨૦માં નવ વિકેટ લીધી છે. આઈપીએલની કુલ ૯૭ મેચમાં તેણે ૮૦ વિકેટ લીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter