અમદાવાદઃ આઇપીએલ ૨૦૨૨ માટે ખેલાડીઓની હરાજીમાં બીજા દિવસે ગુજરાતી ખેલાડીઓની માગ વધી હતી. સૌરાષ્ટ્ર તરફથી ઘરેલુ ક્રિકેટ રમતા ભાવનગરના ઝડપી બોલર ચેતન સાકરિયાને આ વખતે લોટરી લાગી છે.
દિલ્હી કેપિટલ્સ ટીમે ચેતન સાકરિયાને તેની બેઝ પ્રાઇઝ કરતા આઠ ગણી વધારે રકમ ચૂકવીને પોતાની સાથે જોડયો છે. દિલ્હીની ટીમે ચેતનને ૪.૨૦ કરોડની માતબર રકમ ચૂકવીને ખરીદ્યો છે. સાકરિયાએ ગત સિઝનમાં ૧૪ મેચમાં ૧૪ વિકેટ ઝડપી હતી.
ચેતન સાકરિયાને ટીમમાં સામેલ કરવા માટે આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓમાં જોરદાર પડાપડી જોવા મળી હતી. સાકરિયાની બેઝ પ્રાઇઝ ૫૦ લાખ રાખવામાં આવી હતી પરંતુ અંતે દિલ્હી કેપિટલ્સે ૪.૨૦ કરોડ જેટલી ઊંચી બોલી લગાવીને સાકરિયાને ખરીદ્યો હતો. ગત વર્ષે પણ સાકરિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જેના કારણે તેને ભારતીય ક્રિકેટ ટીમમાં પણ સ્થાન મળ્યું હતું.
ગત વર્ષ રહ્યું હતું આઘાતજનક
ચેતન સાકરિયાએ પોતાની શાનદાર રમત દ્વારા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પરંતુ ગયું વર્ષ સાકરિયા માટે સારું રહ્યું નહોતું. ગત વર્ષે ચેતનના પિતાનું કોરોનાને કારણે મોત થયું હતું. જ્યારે તેના નાના ભાઇએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવાર તૂટી ગયો હતો.