ચેતેશ્વર પુજારાના અણનમ 170ઃ કાઉન્ટી ક્રિકેટમાં સતત ચોથી મેચમાં સદી

Wednesday 11th May 2022 07:45 EDT
 
 

લંડન: ભારતીય ટેસ્ટ ટીમમાંથી પડતા મૂકાયેલો ચેતેશ્વર પૂજારા ઈંગ્લેન્ડના કાઉન્ટી ક્રિકેટમાં ખીલ્યો છે. તેણે શાનદાર દેખાવ કરતાં સળંગ ચાર મેચમાં ચાર સદી ફટકારીને હલચલ મચાવી છે. ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપના સેકન્ડ ડિવિઝનમાં સસેક્સ તરફથી રમતાં પુજારાએ મિડલસેક્સ સામેની મેચની બીજી ઈનિંગમાં 170 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. પુજારાની કાઉન્ટી ક્રિકેટમાં સળંગ ચાર સદીમાંથી બે તો ડબલ સેન્ચ્યુરી છે.
ઈંગ્લિશ કાઉન્ટીમાં પુજારાએ ચાર મેચમાં 143.40ની સરેરાશથી 717 રન ખડકીને ભારતીય ટીમમાં પુનરાગમન માટેની દાવેદારી નોંધાવી છે. ટીમ ઈન્ડિયાને આગામી સમયમાં ઈંગ્લેન્ડ પ્રવાસમાં એક ટેસ્ટ મેચ રમવાની છે, ત્યારે પસંદગીકારો પુજારાને ટીમમાં સામેલ કરી શકે છે.
હોવ્વા ખાતે ચાલી રહેલી મેચમાં મિડલસેક્સ સામે સસેક્સનો બેટ્સમેન પુજારા પ્રથમ ઈનિંગમાં 16 રને આઉટ થયો હતો. જોકે, બીજી ઈનિંગમાં તેણે 197 બોલમાં 22 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે નોટઆઉટ 170 રન ફટકાર્યા હતા.
સફળતા અણધારી નથીઃ અરવિંદ પુજારા
સસેકસ તરફથી કાઉન્ટી મેચ રમી રહેલા પૂજારાએ શાનદાર દેખાવ કરીને ટીમ ઇન્ડિયામાં પુનરાગમનનો દાવો મજબૂત કરી દીધો છે. ચેતેશ્વરનું ફોર્મ પરત આવવા અંગે તેના પિતા અને કોચ અરવિંદ પુજારાએ ખૂલીને વાત કરી છે. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું કે મારું માનવું છે કે તેને ઘરેલુ ક્રિકેટમાં પર્યાપ્ત મોકા મળ્યા ન હતા. આથી પાછલી સિઝનમાં તેના દેખાવ પર અસર પડી હતી. કોરોના મહામારીને લીધે ગત સિઝનમાં રણજી ટ્રોફીનું આયોજન થયું ન હતું. આથી ચેતેશ્વરને મેચ પ્રેક્ટિસ વિના જ સીધું જ ટેસ્ટ શ્રેણીમાં ઉતરવું પડતું હતું. અરવિંદભાઇ કહે છે કે જ્યારે તમે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમ વિરુદ્ધ રમતા હો ત્યારે તમારી રમત ટોચ પર હોવી જોઈએ. ચેતેશ્વરને ઘરેલુ ક્રિકેટ રમવાના યોગ્ય મોકા મળ્યા ન હતા, આથી તમારા બેટિંગમાં સાતત્યનો અભાવ આવે છે. હવે તે ઇંગ્લેન્ડમાં નિયમિત કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. આથી તેનું ફોર્મ જોવા મળી રહ્યું છે.
ટીમ ઇન્ડિયામાં વાપસી અંગે અરવિંદભાઇએ જણાવ્યું કે મેં ફક્ત તેને મહેનત કરવા કહ્યું હતું. આથી પરિણામ આપોઆપ મળશે. ઇંગ્લેન્ડ સામેના એકમાત્ર ટેસ્ટમાં ચેતેશ્વરની વાપસી પરના સવાલ પર તેમણે કહ્યું કે પસંદગીકારોએ નિર્ણય કરવાનો છે. મને લાગે છે કે વિદેશી માહોલમાં અનુભવી ખેલાડીઓની જરૂર પડે છે. એને ફક્ત રન કરતા રહેવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter