લંડનઃ ભારતીય ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પૂજારા ઈંગ્લિશ કાઉન્ટીમાં યોર્કશાયર તરફથી રમતો હતો, ત્યારે તેના સાથી ફાસ્ટ બોલર જેક બ્રુક્સે ભારતીય બેટ્સમેનનું હુલામણું નામ ‘સ્ટીવ’ પાડ્યું હતું. હવે જ્યારે ઈંગ્લેન્ડની કાઉન્ટીમાં એશિયન ખેલાડીઓ સાથે ભેદભાવના કલંકરૂપ કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે જેક બ્રુક્સે ચેતેશ્વર પૂજારાની માફી માગી છે.
બ્રુક્સ હાલ સમરસેટ કાઉન્ટી તરફથી રમી રહ્યો છે અને તેણે નવ વર્ષ પહેલાં ઈંગ્લેન્ડના ક્રિકેટરો ટાયમલ મીલ્સ અને સ્ટુઅર્ટ લાઉડટ અંગે સોશિયલ મીડિયામાં વિવાદિત વંશીય અપમાન કરતી ટિપ્પણી કરી હતી. આ મામલે તેણે માફી પણ માંગી લીધી છે. હવે સમરસેટ કાઉન્ટીએ તેને આ મામલે ચીમકી આપીને છોડી મૂક્યો છે.
યોર્કશાયરમાં રમતાં એશિયન મૂળના અઝીમ રફીકે ઈંગ્લેન્ડના ક્રિકેટને હચમચાવી દે તેવા વંશીય ભેદભાવના આરોપ મૂક્યા હતા. તેણે ઈંગ્લેન્ડના સાંસદો સમક્ષ જુબાની આપતાં આ અંગેના પુરાવા પણ રજુ કર્યા હતા. અઝીમે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યારે ઈંગ્લેન્ડના ક્રિકેટરોને એશિયન મૂળના કે અન્ય વિદેશી ખેલાડીઓના નામના ઉચ્ચારમાં મુશ્કેલી પડતી ત્યારે તેઓ તે ખેલાડીને ‘સ્ટીવ’ કહીને બોલાવતા.