નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા માટે વિશેષ હતી. પૂજારાની ક્રિકેટ કારકિર્દીની આ 100મી ટેસ્ટના પ્રારંભે કેપ્ટન રોહિત શર્મા અને ટીમે મેદાનમાં ઊભા રહીને તેને તાળીઓ સાથે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ત્યારબાદ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે વિશેષ મોમેન્ટો દ્વારા પૂજારાનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ચેતેશ્વરના પિતા અરવિંદ પૂજારા અને પત્ની પૂજા હાજર રહ્યા હતા. ગાવસ્કરે 100મી ટેસ્ટ અંગે પૂજારાને વિશેષ કેપ આપી હતી. 100મી ટેસ્ટ માટે મેદાનમાં ઉતરવાની સાથે પૂજારાએ અઝહરુદ્દીન (99)નો રેકોર્ડ બ્રેક કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાના નામે સાત હજાર કરતાં વધારે રન તથા 19 સદી નોંધાયેલી છે.
પૂજારા 100મી ટેસ્ટ રમનાર ભારતનો 13મો ખેલાડી બની ગયો છે. આ પહેલા તેંડુલકર (200), દ્રવિડ (163), લક્ષ્મણ (134), અનિલ કુંબલે (132), કપિલ દેવ (131), ગાવસ્કર (125), દિલીપ વેંગસરકર (116), ગાંગુલી (113), વિરાટ કોહલી (106), ઇશાન્ત શર્મા (105), હરભજનસિંહ (103) તથા વીરેન્દ્ર સેહવાગ (103) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
‘મારું સ્વપ્ન ભારતને ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું’
પુજારાએ કારકિર્દીની માઈલસ્ટોન ટેસ્ટ પૂર્વે જણાવ્યું કે, મારું સ્વપ્ન ભારતને ટેસ્ટ ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું છે. પુજારાએ 99 ટેસ્ટની કારકિર્દીમાં 44.15ની સરેરાશથી 7,021 રન ફટકાર્યા અને તેના નામે 3 બેવડી સદી સહિત 19 સદી અને 34 અડધી સદી નોંધાયેલી છે. ઠંડા દિમાગ અને મક્કમ ડિફેન્સ સાથે વિશ્વના ઝંઝાવાતી બોલરોનો સામનો કરી ચૂકેલા પુજારાએ કારકિર્દીની માઈલસ્ટોન ટેસ્ટ અગાઉ જણાવ્યું કે, હજુ તો ઘણી સિદ્ધિઓ મેળવવાની છે. હું 100મી ટેસ્ટ સુધી પહોંચીને અત્યંત આત્મસંતોષ અને રોમાંચ અનુભવી રહ્યો છું. જોકે આ સાથે કહું છું કે, અમે અત્યંત મહત્ત્વની ટેસ્ટ રમી રહ્યા છીએ. અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લઈએ તેવી આશા રાખી રહ્યો છું.
દ્રવિડ બાદ ભારતીય ટેસ્ટ બેટિંગ લાઈનઅપમાં ‘ધ વોલ’ તરીકેની ઓળખ મેળવનારા પૂજારાએ કહ્યું કે મારું સ્વપ્ન ભારતને ટેસ્ટ ક્રિકેટમાં ચેમ્પિયન બનાવવાનું છે. જે ગત વર્ષે અમે ચૂકી ગયા હતા.
નોંધપાત્ર છે કે પૂજારાએ 2010માં તેની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની બીજી ટેસ્ટથી કર્યો હતો અને તે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની બીજી ટેસ્ટમાં જ 100 ટેસ્ટનો માઈલસ્ટોન પાર કર્યો છે.
તેણે ઊમેર્યું કે, જ્યારે ક્રિકેટ રમવાનું શરું કર્યું અને ટેસ્ટ પ્રવેશ મેળવ્યો, ત્યારે વિચાર્યું પણ નહતું કે હું 100 ટેસ્ટ રમી શકીશ. હું હંમેશા વર્તમાનમાં જીવનારો વ્યક્તિ છું અને બહુ દૂરના લક્ષ્યાંકો રાખતો નથી. આ શ્રેણી પહેલા જ મને ખ્યાલ આવ્યો કે, હું કારકિર્દીની 100મી ટેસ્ટ રમવાનો છું.
પરિવારજનો, મિત્રો અને કોચીસનો આભાર
પૂજારાએ તેના પરિવારજનો, મિત્રો અને કોચિસનો આભાર માન્યો હતો. ચેતેશ્વરે તેના પિતા અરવિંદભાઈ પુજારા તરફ વિશેષ આદરની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મારી ક્રિકેટિંગ કારકિર્દીમાં મારા પિતાએ ઘણી મોટી ભૂમિકા ભજવી છે. તેઓ જ મારા બાળપણના કોચ હતા. જેના કારણે તેઓ ખુબ જ ઉત્સાહિત છે અને આવતીકાલે હું ટેસ્ટ રમવા ઉતરીશ, ત્યારે તેઓ અહીં ઉપસ્થિત રહેશે. તેમની સાથે મારી પત્ની કે જેણે મને હરહંમેશ સાથ આપ્યો છે, તે પણ અહીં હાજર હશે. ખેલાડીની કારકિર્દીમાં પરિવારની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. મારી કારકિર્દીમાં મારા મિત્રો અને કોચિસની ભૂમિકા પણ પાયારૂપ રહી છે.