મુંબઇ: ભારતીય ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકાયેલો સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા આગામી ઇંગ્લિંશ કાઉન્ટી સિઝનમાં સસેક્સ કલબ માટે રમશે અને તે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડનું સ્થાન લેશે. સસેક્સ ક્લબે જણાવ્યું હતું કે પૂજારા અમારી કલબ તરફથી ફર્સ્ટ કલાસ અને લિસ્ટ-એ બંનેમાં રમશે. ટ્રેવિસ હેડે પોતાની આંતરરાષ્ટ્રીય મેચોમાં વધી રહેલી વ્યસ્તતા અને પોતાના પ્રથમ સંતાનના જન્મના કારણે કલબ સાથેના કરારમાંથી મુક્ત કરવાનો આગ્રહ કર્યો હતો, જેને કલબે માન્ય રાખ્યો છે.
સસેક્સ ક્લબે જણાવ્યું હતું કે પૂજારા સિઝનની પ્રથમ મેચ પહેલાં જ ટીમ સાથે જોડાઈ જશે અને આરએલ ૫૦ નેશનલ વન-ડે ચેમ્પિયનશિપના અંત સુધી રહેશે. ઇંગ્લિશ કાઉન્ટી સિઝન સાતમી એપ્રિલથી શરૂ થઇ રહી છે અને સસેક્સનો પ્રથમ મુકાબલો ૧૪મી એપ્રિલે ડર્બિશાયર સામે રમાશે. કાઉન્ટી સિઝન સપ્ટેમ્બર સુધી ચાલશે. પૂજારા આ પહેલાં યોર્કશાયર અને નોટિંગહામશાયર તરફથી કાઉન્ટીમાં રમી ચૂક્યો છે. સૌરાષ્ટ્રની ટીમ રણજીના નોકઆઉટમાં પ્રવેશી નથી અને આઈપીએલમાં કોઈ ટીમે ખરીદ્યો નહીં હોવાના કારણે પૂજારા માટે પૂરી સિઝન ખાલી છે.