ચેન્નઇ જ સુપરકિંગઃ છેલ્લા બોલે જાડેજાએ જીતાડ્યા

Wednesday 31st May 2023 05:45 EDT
 
 

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી આઇપીએલ સિઝન 16ની ફાઇનલ જીતીને ચેન્નઇ સુપરકિંગ્સે રેકોર્ડ પાંચમી વખત ટાઇટલ કબજે કર્યું છે. સોમવારે વરસાદના અવરોધ વચ્ચે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રોમાંચક ફાઇનલ રમાઇ હતી. ગુજરાતની ટીમ વિરુદ્ધ ચેન્નઈના ગુજરાતી બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલમાં જીત માટે જરૂરી 10 રન સામે એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને ચેન્નઇને પાંચ વિકેટે યાદગાર જીત અપાવી હતી.
હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળની ગુજરાત ટાઈટન્સનો દેખાવ પણ ચેમ્પિયનને છાજે તેવો રહ્યો હતો. ગુજરાત ટાઈટન્સે આક્રમક રમત રમીને 20 ઓવરમાં ચાર વિકેટે 214 રન કર્યા હતા. વરસાદને પગલે પ્રભાવિત મેચમાં ચેન્નઈને 15 ઓવરમાં 171 રનનો ટારગેટ મળ્યો હતો. જવાબમાં ચેન્નઈએ 15 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લેતા તે પાંચમી વખત આઈપીએલ ચેમ્પિયન બનીને મુંબઈ ઈન્ડિયન્સની સમકક્ષ આવી ગયું છે.
ગુજરાત સામે છેલ્લી ઓવરમાં ચેન્નઈને જીત માટે 13 રનની જરૂર હતી અને જાડેજા તેમજ શિવમ દુબે બેટિંગમાં હતા. પ્રથમ બોલ પર દુબેએ એક પણ રન લીધો નહતો. ત્યારબાદ બીજા, ત્રીજા અને ચોથા બોલ પર એક-એક રન બેટ્સમેનો દોડ્યા હતા. અંતિમ બે બોલમાં જીત માટે 10 રનની જરૂર હતી ત્યારે મેચ સુપર ઓવરમાં પ્રવેશે તેવી શક્યતા પણ જણાતી હતી. જોકે રવિન્દ્ર જાડેજાએ મોહિતના બે બોલમાં એક સિક્સર અને ત્યારબાદ એક ફોર ફટકારીને ચેન્નઈને જીત અપાવી હતી. ગુજરાત ટાઈટન્સ માટે ત્રણ ઓવરમાં 36 રન આપીને ત્રણ વિકેટ ઝડપનાર મોહિતની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. ચેન્નઇના દમદાર વિજયને એક લાખ જેટલા દર્શકોએ વધાવી લીધો હતો.
ધોની 11 ફાઇનલ રમનાર પ્રથમ ખેલાડી
ગુજરાત સામેની ફાઈનલ માટે મેદાનમાં ઉતરતાં જ ધોનીએ કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. ધોનીએ એક ખેલાડી તરીકે 250 મેચ પૂરી કરી હતી. આટલી મેચ રમનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. આ ઉપરાંત ધોની આઈપીએલમાં 11 ફાઈનલ રમનાર પ્રથમ ખેલાડી પણ બન્યો છે. ધોની અત્યાર સુધીની તમામ સિઝનમાં રમ્યો છે. તે 14 સિઝન ચેન્નઈ માટે તથા બે સિઝન રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટ માટે રમ્યો હતો. ચેન્નઈની ટીમને 2016, તથા 2017માં સસ્પેન્ડ કરવામાં આવી હતી. ધોની ચેન્નઈ માટે 10 તથા પૂણે માટે એક ફાઇનલ રમી ચૂક્યો છે.
ત્રણ દિવસ ચાલી ફાઈનલ
આઇપીએલના ઈતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ ફાઈનલ મેચ ત્રણ દિવસ લંબાઈ હોય તેવી દુર્લભ ઘટના અમદાવાદમાં ઘટી હતી. આઈપીએલના નિર્ધારિત કાર્યક્રમ મુજબ આઈપીએલની ફાઈનલ 28 મે - રવિવારે રમાવાની હતા. જોકે રવિવારે ટોસના અડધો કલાક પૂર્વે જ ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડતાં મેચ રિઝર્વ-ડે એટલે કે સોમવારે રમાડવા નિર્ણય લેવાયો હતો. સોમવારે મેચ નિયત સમયે શરૂ થઈ હતી પરંતુ તેમાં પણ ગુજરાત ટાઈટન્સની ઈનિંગ્સ બાદ વરસાદનું ગ્રહણ નડ્યું હતું. આ પછી રાત્રે 12.10 વાગ્યે મેચ પુનઃ શરૂ થઈ હતી. વરસાદને પગલે ચેન્નઈને 15 ઓવરમાં 171 રનનો સુધારેલો ટારગેટ મળ્યો હતો. મેચ મંગળવાર સુધી લંબાઈ હતી. આમ આઈપીએલના ઈતિહાસમાં કોઈ ફાઈનલ ત્રણ દિવસ સુધી ચાલી હોય તેવી આ સૌપ્રથમ ઘટના રહી હતી.
અંબાતી રાયડૂની આઈપીએલને અલવિદા
આઇપીએલની ફાઇનલ પહેલાં જ ચેન્નઇ સુપરકિંગ્સના મહત્ત્વપૂર્ણ બેટ્સમેન અંબાતી રાયડૂએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રાયડૂએ ફાઇનલ પૂર્વે જ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેણે ટ્વિટમાં લખ્યું હતું કે, બે મહાન ટીમો મુંબઇ અને સીએસકે માટે રમ્યો, 204 મેચ, 14 સીઝન, 11 પ્લેઓફ, 8 ફાઇનલ, 5 ટ્રોફી... આશા છે કે આજે રાત્રે છઠ્ઠી જીતીશ. 37 વર્ષીય રાયડૂએ વધુમાં લખ્યું હતું કે આ યાત્રા ખુબ લાંબી રહી છે. મેં નિર્ણય લીધો છે કે ફાઈનલ આઇપીએલમાં મારી અંતિમ મેચ રહેશે. મને ખરેખર આ ગ્રેટ ટૂર્નામેન્ટ રમવામાં ખુબ આનંદ આવ્યો છે. આપ સૌનો આભાર. કોઇ યૂ ટર્ન નહીં. રાયડૂએ આજની ફાઇનલ પહેલા સુધી 203 આઇપીએલ મેચ રમી હતી. જેમાં તેણે 28.29ની સરેરાશ સાથે 4320 રન બનાવ્યા છે જેમાં 22 અર્ધસદી અને એક સદી
સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter