નવી દિલ્હીઃ ભારતના ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજૂ ગુકેશે ઈતિહાસ રચ્યો છે. ચીનના ડિંગ લિરેનને છેલ્લા રાઉન્ડમાં માત આપીને ગુકેશ સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીતવામાં સફળ રહ્યો છે. ગુકેશે શાનદાર રમતનું પ્રદર્શન કરતા 18મી વર્લ્ડ ચેસ ચેમ્પિયનનું ટાઈટલ જીત્યું હતું. ટુર્નામેન્ટમાં 14માં અંતિમ રાઉન્ડમાં તે ડિગ લિરેન સામે રોમાંચક જીત મેળવીને વિશ્વનો યુવા ચેસ ચેમ્પિયન બન્યો હતો.
આ સાથે જ ગુકેશ ભારતના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદની હરોળમાં આવી ગયો છે. ચેન્નાઈનો 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ બાદ વર્લ્ડ ચેસ ચેમ્પિયનનું ટાઈટલ જીતનાર બીજો ભારતીય બની ગયો છે. અગાઉ વિશ્વનાથન આનંદ તેની કારકિર્દીમાં પાંચ વખત આ ખિતાબ જીતવામાં સફળ રહ્યા હતા. ગુકેશની આ જીતમાં આનંદનો સિંહફાળો રહ્યો હતો. 55 વર્ષીય આનંદે સેમિ-રિટાયર્મેન્ટ બાદ ગુકેશને તેની એકેડમીમાં જ તૈયાર કર્યો હતો. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં 14માં અને અંતિમ રાઉન્ડમાં ગુકેશે ચીનના લિરેનને હરાવીને 7.5 પોઈન્ટ્સ મેળવીને ચેમ્પિયનનો તાજ જીત્યો હતો. ગુકેશને આ ભવ્ય સફળતા બદલ ટ્રોફી ઉપરાંત 13 લાખ યુએસ ડોલર (અંદાજે ₹11.03 કરોડ)ની ઈનામી રકમ મળશે.
દસ વર્ષે સપનું સાકાર
વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ ગુકેશે જણાવ્યું કે, હું છેલ્લા 10 વર્ષથી આ પળનું સપનું જોઈ રહ્યો હતો. હું સપનાને વાસ્તવિક થતું જોઈ શક્યો તેનો મને અપાર આનંદ છે. મારો વિજય થશે તેવી મને અપેક્ષા નહતી પરંતુ મે લડત આપી અને હું આખરે ચેમ્પિયન બન્યો તેથી હું થોડો ભાવુક પણ થયો હતો. ગુકેશ આ વર્ષના પ્રારંભે કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીત્યા બાદ વિશ્વનો સૌથી યુવા ચેલેન્જર બન્યો હતો.