દુબઈઃ ઈંગ્લેન્ડમાં આવતા વર્ષે ૨૦૧૭માં રમાનારી ચેમ્પિયન ટ્રોફી વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારતનો પહેલો મુકાબલો ચોથી જૂને પરંપરાગત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારતને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા તથા સાઉથ આફ્રિકા સાથે ગ્રૂપ-બીમાં સ્થાન મળ્યું છે. આ ટૂર્નામેન્ટ પહેલી જૂનથી ૧૮ જૂન, ૨૦૧૭ સુધી રમાશે.
ગ્રૂપ-એમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સાથે ન્યૂ ઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. એજબસ્ટનમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો દિવસ દરમિયાન રમાશે. આ પછી શ્રીલંકા સામે આઠમી જૂને ઓવલમાં અને સાઉથ આફ્રિકા સામે ૧૧મી જૂને ફરી ઓવલમાં ભારત મેચ રમશે.
ટૂર્નામેન્ટની શરૂઆત ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી જૂને ઓવલમાં રમાનારા મુકાબલા સાથે થશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ આઠ ટીમો ભાગ લેશે, જેના બે ગ્રૂપ પાડવામાં આવ્યા છે. કાર્ડિફ, એજબસ્ટન અને ઓવલમાં આ મુકાબલા રમાશે. ગ્રૂપ-એમાં ઓસ્ટ્રેલિયાની સાથે જે રીતે તેના પરંપરાગત હરીફ ન્યૂ ઝીલેન્ડને રાખવામાં આવ્યું છે તેવી જ રીતે ગ્રૂપ-બીમાં ભારત અને પાકિસ્તાનને રાખવામાં આવ્યા છે. દરેક ગ્રૂપમાંથી બે-બે ટીમો સેમિ-ફાઈનલમાં રમશે.
ઉલ્લેખનીય છે કે ટી૨૦ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઈ થઈ શકી નથી.