દુબઇ, ઇસ્લામાબાદઃ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જોકે ચાહકોની નજર છે 23 ફેબ્રુઆરીએ દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારા હાઇ વોલ્ટેજ મુકાબલા પર. લાંબી ખેંચતાણ બાદ આઇસીસી ઇવેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાવાનું નક્કી થયું છે. સુરક્ષાના કારણોસર ભારતીય ટીમે પાકિસ્તાન રમવા જવાનો ઇન્કાર કર્યો હોવાથી ટીમ ઇંડિયા તમામ મેચો દુબઈમાં રમશે. ભારત જો ફાઈનલ માટે ક્વોલિફાય થાય અને પાકિસ્તાન પણ તેની સામે હશે તો પણ ટાઇટલ મુકાબલો લાહોર કે રાવલપિંડીમાં નહીં પરંતુ દુબઈમાં જ રમાશે.
50 ઓવર્સની વ્હાઈટબોલ ફોર્મેટમાં આઠ ટીમ ભારત, પાકિસ્તાન. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન રમશે. આઈસીસી વન-ડે રેન્કિંગમાં કટઆઉટ ટાઈમ વખતે જે ટોચની આઠ ટીમો હતી તેમને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાની તક મળી છે. વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા ક્વોલિફાય થઈ નથી. ગ્રૂપ-એમાં ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે.
• ભારતનું મજબૂત પાસું
બેટિંગ અને સ્પિન બોલિંગના આધારે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાનની સાથે ટ્રોફી જીતવા માટે દાવેદાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતે પોતાના ઘરઆંગણે ઇંગ્લેન્ડને 3-0થી હરાવીને પોતાની તૈયારીઓનો સંકેત આપી દીધો હતો. સુકાની રોહિતે સદી ફટકારીને ફોર્મમાં પરત ફરવાનો સંકેત આપ્યો હતો. કોહલી પણ પોતાના જૂના ટચ અને આત્મવિશ્વાસમાં જણાતો હતો, યુવા બેટ્સમેન શુભમન ગિલ ફોર્મમા છે. હાર્દિક પંડયા અને શ્રેયસ ઐયર મિડલ ઓર્ડરને વધારે મજબૂત બનાવી રહ્યા છે. સ્પિન વિભાગમાં રવીન્દ્ર જાડેજા. અક્ષર પટેલ તથા કુલદીપ યાદવની સાથે વરુણ ચક્રવર્તી ઘાતક બનાવી રહ્યા છે.
નબળું પાસુંઃ પેસ બોલર બુમરાહની ગેરહાજરી ભારતને મોટો ફટકો પહોંચાડશે. છેલ્લા કેટલાક સમયથી બુમરાહ ત્રણેય ફોર્મેટમાં ભારતનો સૌથી મોટો મેચવિનર સાબિત થયો છે. શમી ટીમનો સૌથી વધારે અનુભવી બોલર રહેશે. લાંબા સમય બાદ તે ક્રિકેટમાં પાછો ફર્યો હોવાના કારણે તેના ફોર્મ અંગે અનિશ્ચિતતા છવાયેલી રહેશે.
• પાકિસ્તાનનું સકારાત્મક પાસું
યજમાન પાકિસ્તાન પાસે સ્ફોટક બેટ્સમેનો છે, જે ખતરનાક સાબિત થઇ શકે છે. ફખર ઝમાને 2017ની ફાઇનલમાં ભારતને પરેશાન કર્યું હતું. તે બાબર કરતાં વધારે જોખમી બની શકે છે. સુકાની મોહમ્મદ રિઝવાન અને ફિનિશર સલમાન અલી આગા શાનદાર ફોર્મમાં છે. પાકિસ્તાનને પોતાના ઘરઆંગણે રમવાનો ફાયદો થશે. યજમાન ટીમ પાસે ઘાતક પેસ બોલિંગ આક્રમણ છે પરંતુ કરાચી અને રાવલપિંડીની પિચો ઉપરથી મદદ મળવી પણ જરૂરી છે. પેસ બોલિંગની ત્રિપુટી શાહિન શાહ આફ્રિદી, નસીમ શાહ તથા હેરિસ રઉફ ઉપર ટીમની સફળતાનો મદાર રહેશે.
નબળું પાસુંઃ સેમ અયુબને અકાળે થયેલી ઇજાએ પાકિસ્તાનની ઓપનિંગને નબળી પાડી દીધી છે. આક્રમક બેટ્સમેન બાબર આઝમના ફોર્મ અંગે પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટ ચિંતિત છે. કામરાન ગુલામ, ખુશદીલ શાહ તથા તૈયબ તાહિરે તેમને મળતી તકનો ફાયદો ઉઠાવવો પડશે. ખુશદીલ અને ફહીમ અશરફ પાકિસ્તાન ટીમની સૌથી નબળી કડી છે.