મુંબઈઃ આઈપીએલની બે ટીમ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ પર બે-બે વર્ષનો પ્રતિબંધ ફરમાવતા જસ્ટિસ લોધા સમિતિના ચુકાદાના બીજા જ દિવસે ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટૂર્નામેન્ટને તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત થઇ છે.
એક પ્રેસ રિલિઝમાં જણાવાયું કે, ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ની ગવર્નિંગ કાઉન્સિલમાં સામેલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ), ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) અને ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)ની સર્વસંમતિથી આ લીગને રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ત્રણેય ક્રિકેટ બોર્ડ દ્વારા ૨૦૦૯માં ચેમ્પિયન્સ લીગ શરૂ કરાઈ હતી, પરંતુ તેને આઈપીએલની જેમ વ્યાપક સમર્થન મળતું નહોતું. આથી ચેમ્પિયન્સ લીગ બંધ થવાની સંભાવના હતી જ, તેમાં લોધા સમિતિ દ્વારા આઈપીએલની બે ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ ફરમાવાતાં ગવર્નિંગ કાઉન્સિલે બીજા જ દિવસે ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેમ્પિયન્સ લીગમાં ગત વર્ષની ચેમ્પિયન અને આઈપીએલમાં આ વખતની રનર-અપ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સે ક્વોલિફાઈ કર્યું હતું. જોકે બે વર્ષના પ્રતિબંધને કારણે તે હવે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે તેમ નહોતી.
બીસીસીઆઈના સેક્રેટરી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ચેમ્પિયન્સ લીગ વિશ્વભરના ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવાનું માધ્યમ હતું અને છેલ્લી છ સિઝનમાં ભાગ લેનાર ટીમોએ તેનો અલગ જ અનુભવ કર્યો હતો. જોકે મેદાનની બહાર ચેમ્પિયન્સ લીગને અપેક્ષા પ્રમાણે દર્શકોનું સમર્થન મળ્યું નહોતું. આથી અમે અમારા સાથીદારો સાથે ચર્ચા કરી ચેમ્પિયન્સ લીગ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
ક્રિકેટમાં બ્રેકનો લાભ
વિશ્વમાં મોટા ભાગે સપ્ટેમ્બર મહિનામાં ક્રિકેટનું આયોજન થતું નથી. આથી બીસીસીઆઈ, સીએ અને સીએસએ દ્વારા જોડાણ કરી ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ શરૂ કરાઈ હતી. જોકે ક્રિકેટચાહકોની નિરસતા જોતાં બંધ કરવાનો વારો આવ્યો છે. ચેમ્પિયન્સ લીગના ઓછા ક્રેઝને કારણે ત્રણેય બોર્ડને મોટું નુકસાન થઈ રહ્યું હતું.
ક્રિકેટરોને ફાયદો
ચેમ્પિયન્સ લીગને કારણે સ્થાનિક ટી-૨૦ ટૂર્નામેન્ટને જોરદાર ફાયદો મળી રહ્યો હતો. જેમ કે, ભારતમાં આઈપીએલ, સાઉથ આફ્રિકામાં રેમ સ્લેમ ટી-૨૦ અને ઓસ્ટ્રેલિયામાં બીગ બેશ લીગને સફળતા મળી હતી. આ ટૂર્નામેન્ટ દ્વારા વિશ્વના ક્રિકેટરોને પોતાની ટેલેન્ટ બતાવવાનું પ્લેટફોર્મ હતું, પરંતુ બોર્ડના નુકસાનના ભોગે લીગને આગળ વધારી શકાય તેમ ન હોવાથી બંધ કરાયું છે.
ક્રિકેટનો અતિરેક
આઈપીએલ શરૂ થઈ ત્યારે લોકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. આથી ક્રિકેટના માંધાતાઓએ રોકડી કરી લેવાના આશયથી વૈશ્વિક સ્તરે ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટૂર્નામેન્ટ શરૂ કરી હતી. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ છે તેમાં બે મત નથી પરંતુ ક્રિકેટ પ્રશાસકોએ રમતને નાણાંની ટંકશાળ સમજી બેઠા હતા ત્યારે વિદેશી ટીમો ભારતીય પ્રશંસકોને આકર્ષી શકી નહોતી. ભારતીય પ્રશંસકો પણ ચેમ્પિયન્સ લીગથી દૂર રહ્યા હતા. આથી દર સિઝન વખતે દર્શકોમાં ઓટ આવી રહી હતી. બીજી તરફ આઈપીએલના સ્પોટ ફિક્સિંગ સ્કેન્ડલ બાદ લોકોમાં ક્રિકેટનો ક્રેઝ ઘણો ઓછો થઈ ગયો હતો.
કરોડો રૂપિયામાં ટીવી રાઇટ્સ
૨૦૦૮માં આઈપીએલની પ્રથમ સિઝનની સફળતા બાદ બીસીસીઆઈ, સીએ અને સીએસએ દ્વારા ચેમ્પિયન્સ લીગ શરૂ કરાઈ હતી. ટૂર્નામેન્ટના ૧૦ વર્ષના ટીવી રાઇટ્સ કરોડો રૂપિયામાં વેચાયા હતા. આ રાઇટ્સ સ્ટાર સ્પોર્ટ્સે ખરીદ્યા હતા. ત્રણયે દેશના ક્રિકેટ બોર્ડને આશા હતી કે, આઈપીએલની જેમ ચેમ્પિયન્સ લીગને પણ ટીઆરપી મળશે, પરંતુ ૨૦૦૯થી લઈને ૨૦૧૪ સુધી ચેમ્પિયન્સ લીગની રેટિંગ ઘટતી ગઈ હતી. પરિણામે છેલ્લા છ વર્ષમાં ચાર વખત ટાઇટલ સ્પોન્સરશિપ બદલાઈ ગઈ હતી. મોટી કંપનીઓ આ લીગથી દૂર ભાગવા લાગી હતી. ગત વર્ષે પણ લીગને સ્પોન્સર્સ મળવા મુશ્કેલ બન્યા હતા.