લંડનઃ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી આ વખતે રોમાંચક બનશે અને તેમાં કોઈ ટીમને દાવેદાર માની શકાય નહીં તો કોઈ ટીમને હળવાશથી પણ લઈ શકાય તેમ નથી તેમ ટીં ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું. આ વન-ડે ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ પહોંચેલી ભારતીય ટીમના કેપ્ટને ૨૬ મેના રોજ પત્રકારો સાથે વાતચીત કરી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીના અનાવરણ પ્રસંગે ભાગ લેનારી તમામ ટીમના કેપ્ટન ઉપસ્થિત રહ્યા હતા. વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે યજમાન ઇંગ્લેન્ડની ટીમમાં કોઈ ખામી નથી. અંગ્રેજ ટીમ બેલેન્સ છે અને તે મજબૂત છે.
ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ધોનીની ટીમે ઇંગ્લેન્ડને હરાવતાં ભારતે ટાઇટલ જીત્યું હતું. આમ ભારત આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે અહીં રમવા આવ્યું છે. જોકે તાજેતરમાં જ ઇંગ્લેન્ડની ટીમે ભારતનો પ્રવાસ ખેડ્યો હતો અને તેમાં ટેસ્ટ, વન-ડે અને ટ્વેન્ટી૨૦માં ભારતનો વિજય થયો હતો.
એક વેબસાઇટને આપેલી મુલાકાતમાં કોહલીએ જણાવ્યું હતું કે મારા મતે ઇંગ્લેન્ડની ટીમ અત્યંત મજબૂત છે. હાલના સંજોગોમાં વિશ્વની સૌથી બેલેન્સ બે ટીમમાં ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે. પોતાના દાવાને મજબૂત કરતાં કોહલીએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ પાસે નવમા અને દસમા ક્રમ સુધી બેટિંગ છે. પાંચથી છ ખેલાડી એવા છે જે બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપી શકે છે એટલે કે ઓલરાઉન્ડર્સની પણ તેમની પાસે કોઈ કમી નથી. આ ઉપરાંત તેમની પાસે સારા ફિલ્ડર પણ છે.
ભારતે તાજેતરમાં જ ઇંગ્લેન્ડની શક્તિનો અનુભવ કરી લીધો છે. તેઓ ભારતના પ્રવાસે આવ્યા ત્યારે તેમને હરાવવા મુશ્કેલ હતા. તેમની આ તાકાત ભાગ લેનારી અન્ય ટીમ માટે પડકાર પેદા કરી શકે તેમ છે તેમ કહીને ભારતીય સુકાનીએ ઉમેર્યું હતું કે અમે ઇંગ્લેન્ડને એક મજબૂત ટેસ્ટ ટીમ તરીકે જાણીએ છીએ અને ૨૦૧૫ના વર્લ્ડ કપ બાદ ટીમમાં ઘણા પરિવર્તન કરવામાં આવ્યા છે.
ઇંગ્લેન્ડની ટીમમાં કોઈ ખામી છે તેવા પ્રશ્નના ઉત્તરમાં કોહલીએ જણાવ્યું કે હાલમાં તો નહીં. ખાસ કરીને તેઓ પોતાના મેદાનો પર રમવાના છે ત્યારે તો તેઓ અત્યંત મજબૂત છે.
ભારતીય ટીમ પણ હાલમાં અત્યંત મજબૂત છે અને કોહલીના ગણિત મુજબ તેની પાસે પણ સારા ઓલરાઉન્ડર્સ છે. આ ઉપરાંત ભારતના ખેલાડીઓ હાલમાં આઇપીએલમાં રમ્યા હોવાને કારણે તેઓ ફોર્મમાં પણ છે અને ફિટનેસમાં પણ કોઈ તકલીફ નથી. ભારત પાસે ધોની જેવો અનુભવી ક્રિકેટર છે તો સાથે સાથે યુવરાજ સિંહ પણ છે. આ ઉપરાંત ઉપરના ક્રમમાં તેની બેટિંગ પણ મજબૂત છે.