ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં ભારતને સૌપ્રથમ વખત ગોલ્ડ

Tuesday 15th September 2020 13:00 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોના મહામારીમાં ઓનલાઈન યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભારે નાટકીય અને વિવાદાસ્પદ ઘટના ક્રમ બાદ ભારત અને રશિયાને સંયુક્તપણે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં સૌપ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીતવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે.
ભારત અને રશિયા વચ્ચેની હાઈપ્રોફાઈલ ફાઈનલના આખરી રાઉન્ડમાં ભારતના બે ખેલાડીઓનું ઈન્ટરનેટ કનેક્શન સર્વરની નિષ્ફળતાને કારણે જતું રહ્યું હતુ અને આ બંને ખેલાડીઓને હારેલા જાહેર કરતાં ભારતને સિલ્વર મેડલ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જોકે ભારતીય ટીમે નોંધાવેલા સત્તાવાર પ્રોટેસ્ટને માન્ય રાખતાં ફિડેએ નિર્ણય બદલ્યો હતો અને બંને દેશોને સંયુક્ત વિજેતા જાહેર કર્યા હતા.
ભારતના ભૂતપૂર્વ મલ્ટીપલ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે ટ્વીટર પર લખ્યું હતુ કે,'વી આર ધ ચેમ્પિયન્સ !! કોંગ્રેટ્સ રશિયા!' ભારત આ પહેલી વખત ચેસ ઓલિમ્પિયાડની ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. નોંધપાત્ર છે કે, ચેસ ઓલિમ્પિયાડમાં આ અગાઉનો ભારતનો શ્રેષ્ઠ દેખાવ ૨૦૧૪માં નોંધાયો હતો, ત્યારે ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ફાઈનલના પ્રથમ રાઉન્ડમાં તમામ છ બાજી ડ્રો થતાં બંને ટીમો ૩-૩થી બરોબરી પર રહી હતી. બીજા રાઉન્ડમાં ભારતીય ટીમના બે ખેલાડીઓ નિહાલ સરીન અને દિવ્યા દેશમુખ તેમની મેચ રમી રહ્યા હતા, ત્યારે ઈન્ટરનેટ કનેક્શન જતું રહ્યું હતુ અને તેઓને હારેલા જાહેર કરવામાં આવ્યા હતા. જેની સામે ભારતે સત્તાવાર વિરોધ નોંધાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter