લિડ્સઃ ઇંગ્લેન્ડે ચોથી વન-ડેમાં પણ વિજય મેળવીને ઘરઆંગણે રમાઇ રહેલી પાંચ વન-ડેની સીરિઝ ૨-૨થી સરભર કરી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રારંભિક ધબડકા બાદ ૨૯૯ રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો. જોકે ઇંગ્લેન્ડે સાત વિકેટના ભોગે ૩૦૦ રનનું વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. ૯૨ રન કરીને ટીમને વિજયના પંથે દોરી જનાર કેપ્ટન મોર્ગન મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
ચોથી વન-ડેમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગનો નિર્ણય લીધો હતો. શરૂઆતની ઓવરોમાં ત્રણ વિકેટો પડતા ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય ખોટો હોય તેમ જણાતું હતું. જોકે બાદમાં મેક્સવેલના ઝંઝાવાતી ૮૫ રન અને બેઈલી (૭૫) તથા વેડ (અણનમ ૫૦)ની અડધી સદીની મદદથી સાત વિકેટે ૨૯૯ રન નોંધાવ્યા હતા. આમ ઇંગ્લેન્ડને વિજય માટે ૩૦૦ રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ મક્કમ અને ધીમી રમત રમી રહી હતી. કેપ્ટન મોર્ગનના ૯૨ રન તથા ટેલર અને સ્ટોક્સના ૪૧-૪૧ રનની મદદથી સાત વિકેટે ૩૦૪ રન કરીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની સીરિઝ અત્યારે ૨-૨થી સરભર હોવાથી પાંચમી મેચ બહુ જ રસપ્રદ બની રહેશે.