છાતી, ખભા, પેટ નીચે સ્પર્શ, પોતાની તરફ ખેંચીઃ બ્રિજભુષણ સામે 12 આરોપો

Tuesday 06th June 2023 15:18 EDT
 
 

નવી દિલ્હીઃ ભાજપ સાંસદ અને ભારતીય કુસ્તી સંઘ (WFI)ના અધ્યક્ષ બ્રિજભુષણ શરણસિંહ સામે મહિલા પહેલવાનોને ફરિયાદમાં ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં ખોટા ઇરાદાથી સ્પર્શ કરવો, ખભા દબાવવા અને મદદ કરવાના બદલામાં શારીરિક સંબંધોની માગણી સહિતની બાબતોનો સમાવેશ થાય છે. બીજી તરફ, બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક શનિવારે રાત્રે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. અમિત શાહે આ કેસમાં કસૂરવાર સામે પગલાંની ખાતરી આપી હોવાનું મનાય છે.

બ્રિજભુષણ સામે જે 12 આરોપો લગાવાયા છે તેમાં કોઇ બહાને ખરાબ ઇરાદા સાથે મહિલા પહેલવાનોને સ્પર્શ કરવો, છાતી ઉપર હાથ રાખવાનો પ્રયાસ કરવો, છાતીથી પીઠ સુધી હાથ લઇને જવો અને પીછો કરવો વગેરેનો સમાવેશ થાય છે. આ ફરિયાદ પાટનગરના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં 21 એપ્રિલે આપવામાં આવી હતી. દિલ્હી પોલીસે બાદમાં 28મી એપ્રિલે બે એફઆઇઆર દાખલ કરી હતી. જેમાં આઇપીસીની કલમ 354 (આબરૂ ભંગ કરવી અને ઇરાદા પૂર્વક તેના પર હુમલો કરવો અને બળપ્રયોગ કરવો), 354એ (પીછો કરવો) અને 34 હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે. જ્યારે અન્ય એક ફરિયાદમાં સગીરાના પિતાએ પોક્સો કાયદાની કલમ 10 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં પાંચથી સાત વર્ષની અને અગાઉ દાખલ થઇ તેમાં ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઇ છે.
‘મને હોટેલમાં બોલાવી હતી...’
એક મહિલા પહેલવાને આરોપ લગાવ્યો હતો કે મને એક હોટેલમાં આરોપી બ્રિજ ભુષણે બોલાવી હતી, અહીંની રેસ્ટોરન્ટમાં ભોજન દરમિયાન મને પાસે બોલાવીને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. રેસલિંગ ફેડરેશનની ઓફિસમાં મારી અનુમતી વગર મારા પગ, ખભા અને હાથને સ્પર્શ કરવામાં આવ્યો. પોતાના પગથી મારા પગને ટચ કર્યા. મારા શ્વાસની પ્રક્રિયાને સમજવાના બહાને છાતી અને પેટ પર હાથ ફેરવ્યા હતા.

‘બળજબરીથી ખેંચવા પ્રયાસ કર્યો...’

બીજી મહિલા પહેલવાનનો આરોપ છે કે જ્યારે હું સુતી હતી ત્યારે બ્રિજભુષણ આવ્યા અને મારુ ટી-શર્ટ ખેંચ્યું, મારો શ્વાસ તપાસવાના બહાને છાતીએ હાથ રાખ્યો. જેને બાદમાં મારા પેટના નીચેના ભાગે સરકાવ્યો. ઓફિસમાં બોલાવી ત્યારે મારા ભાઇને બહાર ઉભો રાખ્યો અને મને અંદર બોલાવી, ત્યાં મને પકડીને બળજબરીથી પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. એક પહેલવાનની ફરિયાદ છે કે તેને લાઇનમાં ઉભી હતી ત્યારે ખોટી રીતે સ્પર્શ કર્યો. તસવીરના બહાને ખભા પર હાથ રાખ્યો. આવા 12 જેટલા ગંભીર આરોપો બ્રિજ ભુષણ સામે લગાવવામાં આવ્યા છે.

સાથે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે જે પહેલવાનોને તાબે થવાની ના પાડી તેમને ધમકીઓ આપવામાં આવી જ્યારે સંબંધ બનાવવા બદલ કેરિયરમાં મદદની પણ લાલચ આપવામાં આવી.

ધરપકડ કરો નહીં તો ધરણાં
બીજી તરફ પહેલવાનો બ્રિજભુષણની ધરપકડની માગ સાથે એક મહિનાથી ધરણા કરી રહ્યા છે. તેમના સમર્થનમાં હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને ખાપ પંચાયતના નેતાઓ સામે આવ્યા છે. રાકેશ ટિકૈતે ચેતવણી આપી છે કે જો 9 જૂન સુધીમાં બ્રિજભુષણની ધરપકડ કરવામાં ન આવી તો પહેલવાનોની સાથે જંતરમંતર પર ફરી ધરણા શરૂ કરવામાં આવશે અને તેમાં ખેડૂતો, ખાપ નેતાઓ પણ સામેલ થશે. આ એલાન કુરૂક્ષેત્રમાં મહાપંચાયતની બેઠકમાં કરવામાં આવ્યું હતું. જ્યારે11મી જૂને પહેલવાનોના સમર્થનમાં શામલીમાં પણ મહાપંચાયત યોજવામાં આવશે. સાથે જ ખેડૂતો રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે અને બ્રિજ ભુષણની ધરપકડની માગણી કરશે.

પૂનિયા - ફોગાટ - સાક્ષી નોકરી પર પાછા ફર્યાં
બ્રિજભૂષણ સામે મહિલા પહેલવાનોની જાતીય સતામણીના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા પહેલવાનો - બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક રેલવેમાં તેમની જોબ પર 31 મેના રોજ પાછા ફર્યા હોવાનું સામે આવ્યું છે. તેના પગલે તેમણે આંદોલન સમેટી લીધું હોવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે પહેલવાનોએ બ્રિજભૂષણ વિરુદ્ધના આંદોલનથી પીછેહઠની અટકળોને અફવા ગણાવી ફગાવી છે.
એક સગીર સહિતની મહિલા પહેલવાનોએ ફરિયાદ પાછી ખેંચી હોવાના અહેવાલોને પણ તેમણે ખોટા ગણાવી ફગાવ્યા હતા. સાક્ષી મલિકે એક ન્યૂઝ ચેનલના અહેવાલનો સ્ક્રીનશોટ શેર કરીને ટ્વિટમાં જણાવ્યું હતું કે, આ સમાચાર સાવ ખોટા છે. સત્યાગ્રહની સાથોસાથ રેલવેમાં મારી જવાબદારી પણ નિભાવી રહી છું. ન્યાય માટેની લડાઇમાં અમારામાંથી કોઇએ પીછેહઠ કરી નથી કે કરશે પણ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter